![CEC Rajiv Kumar Expresses Concern Over Urban Voter Apathy](/wp-content/uploads/2024/03/CEC-Rajiv-Kumar-with-the-two-newly-appointed-Election-Commissioners-Gyanesh-Kumar-Dr-Sukhbir-Singh-Sandhu.webp)
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. આજે શુક્રવારે ચૂંટણી પંચે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત આવતી કાલે કરવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું કે 16 માર્ચ શનિવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં લોકસભા ચૂંટણી અને કેટલીક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે.
નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સ ચૂંટણી પાંચના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવશે.
નોંધનીય છે કે આવતી કાલે ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી જશે.
ગઈ કાલે ચૂંટણી પંચમાં બે નવા ચૂંટણી કમિશનરો જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની નિમણુક બાદ, આજે કમિશને ચૂંટણી શેડ્યૂલની જાહેરાત અંગે X પર પોસ્ટ કરી છે. લોકસભા ચૂંટણીની સાથે, સિકિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓની તારીખો પણ જાહેર કરવામાં આવશે.
વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થઈ રહ્યો છે અને તે પહેલા નવી લોકસભાની રચના થવાની છે.