લોકસભામાં ‘ડિજિટલ એટેન્ડન્સ’નો પ્રારંભ: સાંસદોને સમયની બચત અને કતારોમાંથી મુક્તિ!

નવી દિલ્હી: સંસદમાં સાંસદોની ઉપસ્થિતિ નોંધાવવા માટેની પ્રણાલીને હવે ડિજિટલ બનાવી દેવામાં આવી છે. નવી વ્યવસ્થા અનુસાર સાંસદ હવે મલ્ટી મીડિયા ડિવાઈસના માધ્યમથી ઓનલાઈન હાજરીની નોંધ કરી શકશે. આનાથી તેમને હાજરી રજિસ્ટરમાં સહી કરવા માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં. આ સુવિધા હાલમાં ફક્ત લોકસભામાં જ શરૂ કરવામાં આવી છે, રાજ્યસભામાં હજુ પરંપરાગત પદ્ધતિ જ ચાલુ રહેશે.
હવે નહી લાગે લાંબી કતારો
નવી સંસદ ભવનમાં સાંસદો હવે તેમની નિર્ધારિત સીટ પર બેસીને જ પોતાની હાજરી પુરાવી શકશે. અગાઉ, તેમને સંસદમાં પ્રવેશતા પહેલા ટેબ્લેટ પર સ્ટાઈલસ વડે સહી કરવી પડતી હતી, જેમાં સમય લાગતો હતો અને ઘણી વાર લાંબી કતારો પણ લાગતી હતી. હવે આ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ થઈ ગઈ છે.
આ પણ વાંચો: સચિવાલયમાં ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમ સામે કર્મચારીઓનો સખત વિરોધ: CM ને કરી રજૂઆત…
હાજરી ત્રણ વિકલ્પો દ્વારા નોંધવામાં આવશે
આ સિસ્ટમ સરળ, સુરક્ષિત અને ઝડપી છે, જે હાજરી પ્રક્રિયાને વધુ સચોટ અને વિશ્વસનીય બનાવશે. સાંસદો MMD સિસ્ટમ દ્વારા નીચેની પદ્ધતિઓ દ્વારા તેમની હાજરી નોંધી શકશે જેમ કે અંગૂઠાની છાપ, પિન નંબર, સ્માર્ટ કાર્ડ.
સાંસદોના સાડા ત્રણ કલાક બચશે
લોકસભા અધ્યક્ષ દ્વારા શરૂ કરાયેલી આ પહેલ આ સંસદ સત્રથી અમલમાં મૂકવામાં આવી રહી છે. જૂની પદ્ધતિમાં હાજરી નોંધાવવા માટે સરેરાશ બેથી ત્રણ મિનિટનો સમય લાગતો હતો, પરંતુ હવે તે ફક્ત થોડીક સેકન્ડમાં શક્ય બનશે. સંસદ વર્ષમાં લગભગ 70 દિવસ ચાલે છે. આ મુજબ, દરેક સાંસદ વાર્ષિક લગભગ સાડા ત્રણ કલાક બચાવશે, જેનો ઉપયોગ તેઓ અન્ય મહત્વપૂર્ણ કાર્યોમાં કરી શકશે.