Loksabha-2024: BJP આજે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરે તેવી શક્યતા

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. 19 એપ્રિલથી 1લી જૂન સુધી લાંબી ચાલનારી આ ચૂંટણી માટે દરેક પક્ષે પોતાના ઉમેદવારોના એક બે લિસ્ટ જાહેર કરી દીધા છે. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા દરેક પક્ષે ઘણા સમય પહેલા જ શરૂ કરી દીધી હતી, પરંતુ અમુક રાજયોમાં પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન અને અમુક રાજ્યોમાં હજુ વિવિધ સમીકરણો બંધબેસતા ન હોવાથી ઉમેદવારોના નામ જાહેર થયા નથી. ભાજપે બે યાદી બહાર પાડી છે. પહેલી યાદી બીજી માર્ચના રોજ બહાર પાડવામાં આવી હતી જેમાં એક સાથે 195 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
આ યાદીમાં ગુજરાતની 26માંથી 15 બેઠક પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ભાજપે 14મી માર્ચે બીજી યાદી જાહેર કરી હતી, જેમાં 72 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. આ યાદીમાં ગુજરાતના વધારે સાત ઉમેદવારના નામ જાહેર થયા હતા.
આમ ભાજપે અત્યાર સુધીમાં કુલ ગુજરાતના 22 સહિત 257 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજે ભાજપનું ત્રીજું લિસ્ટ બહાર પડે તેવી સંભાવના છે.
અત્યાર સુધીમાં ભાજપે ઘણા વર્તમાન સાંસદને ઘરે બેસાડી નવા ચહેરાને તક આપી છે. ગુજરાતની 4 બેઠક પર પક્ષે હજુ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. આ ચાર બેઠકમાં અમરેલી, જુનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગરની બેઠકનો સમાવેશ થાય છે.
આજે આ માટે દિલ્હી ખાતે ભાજપની એક બેઠક પણ મળી છે. મળતી માહિતી અનુસાર મોટેભાગે આજે મોડી સાંજે અથવા આવતીકાલે ઉમેદવારોની ત્રીજી યાદી પક્ષ બહાર પડે તેવી સંભાવના છે.