અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ નજીક આવી રહી છે. ત્યારે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને ઉદ્ઘાટન સમારોહમાં ન આવવાની અપીલ કરી છે. ચંપત રાયે જણાવ્યું હતું કે મુરલી મનોહર જોશી અને લાલ કૃષ્ણ અડવાણી સ્વાસ્થ્ય અને ઉંમર સંબંધિત કારણોસર ઉદ્ઘાટન સમારોહમાં હાજરી ના આપે એ વધારે સારું છે કારણકે બંને વૃદ્ધ છે. તેથી તેમની ઉંમરને ધ્યાનમાં લઈને તેમને ન આવવા વિનંતી કરવામાં આવી છે, અને તે બંને નેતાઓએ આ વિનંતીને સ્વીકારી હતી.
કલ્યાણ સિંહ સાથે જોડાયેલી એક જૂની ઘટનાનો ઉલ્લેખ કરતા ચંપત રાયે કહ્યું હતું કે પાંચ ઓગસ્ટના રોજ જ્યારે રામ મંદિરના શિલાન્યાસ સમયે કલ્યાણ સિંહે આગ્રહ કરવાનું શરૂ કર્યું હતું કે તેઓ ચોક્કસ આવશે. પરંતુ તેમના ઘરના લોકોએ અને અમે સમજાવ્યા કે તમારી ઉંમરને ધ્યાનમાં રાખીને તમને આ આવવા માટે વિનંતી કરવામાં આવે છે. જો કે તેઓ માની ગયા હતા અને આ વખતે પણ અમારી દરેકને વિનંતી છે કે તમારા ઘરના વડીલોને પણ સમજાવો કે તેઓ પાછળથી પણ રામ લલ્લાના દર્શન કરી શકે છે.
નોંધનીય છે કે 22 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે મુખ્ય યજમાન તરીકે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાના છે. અને એટલેજ અયોધ્યામાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ મોદી બરાબર 11 વાગે રામજન્મભૂમિ પરિસરમાં પ્રવેશ કરશે. ત્યારબાદ ભગવાન રામલલ્લાના અભિષેક 11:30 સુધીમાં શરૂ કરવામાં આવશે.
ખાસ બોબત તો એ છે કે લોકોને ઉદ્ઘાટનના બીજા જ દિવસે એટલે કે 23 જાન્યુઆરીથી ભગવાન રામના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. મંદિરના ઉદ્ઘાટન પ્રસંગ પીએમ મોદી, સંઘના વડા મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ અને તમામ ટ્રસ્ટીઓ રામ મંદિરના પ્રાંગણમાં હાજર રહેશે. આ ઉપરાંત અન્ય ઘણા મહાનુભાવો પણ રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમના સાક્ષી બનશે.
અયોધ્યામાં આ પ્રસંગે જે પણ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે એ તમામની રહેવાની પણ સુવિધા કરવામાં આવી છે. રાત્રે રોકાવા માટે 1000 જેટલા શયનગૃહ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ધર્મશાળા અને અન્ય સ્થળોએ 600 રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.
Taboola Feed