10 વર્ષથી સાંકળોથી બંધાયેલી છે બે ભાઇની જિંદગી…..
ચુરુ જિલ્લાના સરદારશહર વિસ્તારના લોડસર ગામમાં બે સગા ભાઈઓની દુર્દશા હૃદયદ્રાવક છે. આ બંને ભાઈઓ છેલ્લા 10-12 વર્ષથી સાંકળમાં બંધાયેલા છે. પરિવારના સભ્યો બંનેને સાંકળો બાંધીને રાખવા મજબૂર છે. સખત શિયાળો હોય કે આગ ઝરતી ગરમી તેમની જગ્યા બદલતી નથી. આ બંને ભાઈઓએ વર્ષોથી સ્નાન કર્યું નથી. ઘરનો એક તૂટેલો ખાટલો તેમનો પલંગ છે અને આકાશ તેમની છત છે. બંને ભાઈઓની જિંદગી લોખંડની સાંકળોથી બંધાયેલી છે. ત્યારથી તે નરકનું જીવન જીવવા માટે મજબૂર છે.
તુલસીરામ નાયકનો પરિવાર ચુરુ જિલ્લાના સરદારશહર તહેસીલ મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર લોડસર ગામમાં રહે છે. તેમના બે ભાઇઓની માનસિક સ્થિતિ અસ્થિર હોવાને કારણે તેમને લોખંડની સાંકળોથી બાંધીને રાખવા પડે છે. પુત્રની આવી દયનીય હાલત નહીં સહેવાતા માતાનું મૃત્યુ થઇ ગયું છે. તુલસીરામની માતાના અવસાન બાદ પિતા પણ બીમાર રહે છે. તુલસીરામનો સૌથી નાનો ભાઈ પણ તેના બે ભાઈઓની હાલત જોઈ શક્યો નહીં અને તેનું પણ મૃત્યુ થયું હતું. પરિવારમાં એકમાત્ર કમાનાર સભ્ય હવે તુલસીરામ જ છે.
તૂલસીરામ જણાવે છે કે તેઓ ચાર ભાઇઓ હતા. દસ-બાર વર્ષ પહેલા સુધી બધુ બરાબર હતું. ઘર આરામથી ચાલતું હતું. ઘરમાં શાંતિ હતી. પણ પછી અચાનક અચાનક તેમના નાના ભાઈ ઓમપ્રકાશની માનસિક સ્થિતિ બગડી અને તે વિચિત્ર હરકતો કરવા લાગ્યો. તેની સારવાર કરવામાં આવી, પરંતુ તે સ્વસ્થ થઈ શક્યો નહોતો. તેને સાંકળોથી બાંધવાની ફરજ પડી હતી. બે વર્ષ બાદ તેમના બીજા ભાઈ હરિરામની માનસિક સ્થિતિ પણ બગડી. તેની પણ સારવાર કરવામાં આવી પણ તે સાજો થઇ શક્યો નહી અને તેની પણ માનસિક હાલત એટલી ખરાબ થઇ ગઇ કે તેને પણ એક રૂમમાં સાંકળોથી બાંધીને રાખવામાં આવ્યો છે.
તુલસીરામ કોઈક રીતે મહેનત કરીને પરિવાર ચલાવી રહ્યા છે. કારણ કે ઘરમાં તેઓ એકલો જ કમાનાર છે. તુલસીરામ નાયકે કહ્યું કે તેઓ વહીવટીતંત્રને બંને ભાઇની સ્થિતિની જાણ કરીને થાકી ગયા, પરંતુ તેની સંભાળ લેવા કોઈ આવ્યું ન હતું.
ગામના સરપંચ જણાવે છે કે ઓમપ્રકાશ ભણવામાં હોંશિયાર હતો. તેણે સારા માર્કે દસમુ ધોરણ પાસ કર્યું હતું, પણ ધોરણ 12માં નાપાસ થયા બાદ તે મૌન રહેવા લાગ્યો હતો. અને માનસિક રીતે અસ્વસ્થ બની ગયો હતો. બે વર્ષ પછી નાના ભાઈ હરિરામની માનસિક સ્થિતિ પણ બગડી હતી. તુલસીરામના પરિવારે બચીકુચી મુડીથી ભાઇઓની સારવાર કરાવવાની કોશિશ કરી પણ તેમનો પન્નો ટૂંકો પડે છે અને સારવારનો ખર્ચ ઘણો મોંઘો છે.
આપણે આશા રાખીએ કે કંઇક ચમત્કાર થાય અને આ બે માનસિક વિકલાંગ ભાઇઓની જિંદગીમાં પણ પરિવર્તન આવે.