મધ્ય પ્રદેશમાં વીજળી પડવાથી ચાર જણનાં મૃત્યુ
ભોપાલ: મધ્ય પ્રદેશમાં વિવિધ સ્થળે વીજળી પડવાને પગલે ચાર જણના મૃત્યુ થયા હતા અને એક કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, તેવું અધિકારીઓએ સોમવારે કહ્યું હતું. રવિવારે મધ્ય પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વીજળી પડી હતી. ધાર જિલ્લાના ઉમરબન ગામમાં એક દંપતિ પોતાના સગીર પુત્ર સાથે મોટરસાઈકલ પર ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ વીજળી ત્રાટકતા બંને પતિ-પત્નીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. તેમનો પુત્ર દાઝી ગયો હતો અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, તેવું ઉમરબન પોલીસ મથકના ઈનચાર્જ પ્રકાશ અલાવાએ જણાવ્યું હતું.
ઝાબુઆ જિલ્લામાંના ઝાવલિયા ગામમાં પોતાના ખેતરમાં કામ કરનારા લુંગજી કટારા પર વીજળી ત્રાટકી હતી અને તેનું મૃત્યુ થયું હતું. પેટલાવદના પોલીસ અધિકારી સૌરભ તિવારીએ આ માહિતી આપી હતી. બરવાની જિલ્લાના જૂનાજહિટા ગામમાં એક મહિલાનું વીજળી ત્રાટકવાને કારણે મૃત્યુ થયું હતું, તેવું સિલાવાડ પોલીસ સ્ટેશનના સબઈન્સ્પેક્ટર અયુબ શેખે કહ્યું હતું.
ભારતીય હવામાન વિભાગ મધ્ય પ્રદેશમાં કરાં પડવાની આગાહી સહિત ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરી હતી. ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકના વેગે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી હતી.