બસપાના વિધાનસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં છ આરોપીને આજીવન કેદ
નવી દિલ્હીઃ લખનઉની વિશેષ સીબીઆઇ કોર્ટે બસપા (બહુજન સમાજવાદી પાર્ટી)ના વિધાનસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં છ આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. આરોપીઓમાં માફિયા અતીક અહેમદના ત્રણ શાર્પ શૂટર્સ ફરહાન, આબિદ અને અબ્દુલ કવિનો પણ સમાવેશ થાય છે.
આ સિવાય કોર્ટે જાવેદ, ઈસરાર, રણજીત પાલ અને ગુલ હસનને પણ આજીવન કેદની સજા સંભળાવી છે. હત્યાકાંડના બે આરોપી માફિયા અતીક અહેમદ અને અશરફનું મોત થઇ ચૂક્યું છે. કોર્ટે છ આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે જ્યારે અન્ય એક આરોપી ફરહાનને આર્મ્સ એક્ટ હેઠળ ચાર વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
રાજુ પાલ મર્ડર કેસની તપાસ સુપ્રીમ કોર્ટે 22 જાન્યુઆરી 2016ના રોજ સીબીઆઈને સોંપી હતી. પૂજા પાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે સીબીઆઇ તપાસની વિનંતી કરી હતી. ઘટનાના લગભગ 11 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી.
રાજુ પાલની હત્યાની સાથે તેની સાથે હાજર દેવીલાલ પાલ અને સંદીપ યાદવની પણ હત્યા કરવામાં આવી હતી. 20 ઓગસ્ટ 2019ના રોજ સીબીઆઈએ કુલ 10 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. એક આરોપી રફીક ઉર્ફે ગુલફુલ પ્રધાનનું મોત થયું છે.
નોંધનીય છે કે 25 જાન્યુઆરી, 2005ના રોજ બપોરે લગભગ 3 વાગ્યે સિટી વેસ્ટના બીએસપી વિધાનસભ્ય રાજુ પાલ ધુમાનગંજના નિવાંમાં ઘરે આવી રહ્યા હતા ત્યારે સુલેમસરાયના જીટી રોડ પર તેમની કારને ઘેરીને ફાયરિંગ કરાયું હતું.