લિબિયામાં પૂર પ્રપાતથી મૃત્યુ આંક 6,900ને પાર, 10,000થી વધુ લોકો ગુમ
ડેરના: પૂર્વી આફ્રિકાના લિબિયામાં ભારે વરસાદ અને પૂરના કારણે વિનાશ સર્જાયો હતો, જ્યારે ડેરના શહેરને વધુ નુકસાન થયું છે. દેશમાં પૂરને કારણે મૃત્યુઆંક 6,900ને વટાવી ગયો છે, જ્યારે 10 હજારથી વધુ લોકો ગુમ છે. મળતી માહિતી મુજબ પૂરના કારણે ભારે તબાહીને કારણે 30 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. ભૂમધ્ય સમુદ્રમાંથી ઉભેલા વાવાઝોડા ‘ડેનિયલ’ના કારણે રવિવારે રાત્રે વરસાદના કારણે આવેલા અચાનક પૂરને કારણે પૂર્વી લિબિયાના ઘણા શહેરોમાં ભારે તબાહી મચી ગઈ હતી, જ્યારે ડેરના શહેરને સૌથી વધુ નુકસાન થયું છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ અબુ-લામોશાના જણાવ્યા અનુસાર એકલા ડેરનામાં મૃત્યુઆંક 5,000ને વટાવી ગયો છે. પૂર્વી લિબિયામાં એમ્બ્યુલન્સ અને કટોકટી કેન્દ્રના પ્રવક્તા ઓસામા અલીએ જણાવ્યું હતું કે સમગ્ર પ્રદેશમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે. અલીએ બુધવારે જણાવ્યું હતું કે ડેરનામાં 7,000થી વધુ લોકો ઘાયલ થયા છે અને એજન્સીઓ દ્વારા સ્થાપિત હોસ્પિટલોમાં આમાંથી મોટા ભાગના લોકોને સારવાર અને સહાય પૂરી પાડવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું હતું કે દરિયાકાંઠાના શહેર ડેરનામાં મૃત્યુઆંક વધવાની ધારણા છે કારણ કે બચાવ ટીમો હજુ પણ રસ્તાઓ, ઇમારતો અને સમુદ્રમાં મૃતદેહો શોધી રહી છે.
લિબિયાના એક શહેરમાં પૂરના કારણે થયેલી તબાહી બાદ બચાવકર્મીઓએ બુધવાર સુધી કાટમાળમાંથી બે હજારથી વધુ મૃતદેહ શોધી કાઢ્યા છે અને ઓછામાં ઓછા 30 હજાર લોકો વિસ્થાપિત થયા છે. ડેરનામાં ભારે વરસાદ અને પૂરના કારણે ડેમ તૂટ્યો હતો, જેનું પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયું. યુએન સ્થળાંતર એજન્સીએ જણાવ્યું હતું કે પૂરના કારણે દરિયાકાંઠાના શહેર ડેરનામાં માળખાકીય સુવિધાઓને નોંધપાત્ર નુકસાન થયું હતું.
ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનએ કહ્યું હતું કે પૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવું માનવતાવાદી સહાયતા કાર્યકરો માટે ઘણું મુશ્કેલ કામ છે. પૂર્વી લિબિયાના આરોગ્ય પ્રધાન ઉસ્માન અબ્દુલ જલીલે જણાવ્યું હતું કે બુધવારે સવાર સુધીમાં 2,000થી વધુ મૃતદેહ મળી આવ્યા હતા અને તેમાંથી અડધાથી વધુને ડેરનામાં સામૂહિક કબરોમાં દફનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બચાવ દળોએ સમુદ્રમાંથી કેટલાક મૃતદેહો બહાર કાઢ્યા છે.
યુનાઈટેડ નેશન્સ માઈગ્રેશન એજન્સીના જણાવ્યા અનુસાર ડેરનામાં પૂરના કારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત અથવા નાશ પામ્યા છે, જે મુજબ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા ડેર્ના નદી પર બનાવેલ પુલ પણ ધરાશાયી થયો છે. લિબિયામાં રેડ ક્રોસ ડેલિગેશનની ઇન્ટરનેશનલ કમિટીના વડા યાન ફ્રાઇડેસે જણાવ્યું હતું કે પૂરના કારણે ડેરના શહેરમાં જબરદસ્ત તબાહી થઈ છે. તેમણે કહ્યું હતું કે સૈનિકો, સરકારી કર્મચારીઓ, સ્વયંસેવકો અને રહેવાસીઓ સહિત સ્થાનિક કટોકટી સેવાઓના લોકો બચાવ કામગીરીમાં સામેલ છે.
લિબિયાના પડોશી દેશ ઇજિપ્ત, અલજીરિયા અને ટ્યુનિશિયા તેમજ તુર્કી અને સંયુક્ત આરબ અમીરાતે બચાવ ટીમો અને માનવતાવાદી સહાય મોકલી છે. યુએસ પ્રમુખ જો બાઈડેને કહ્યું હતું કે યુએસ રાહત સંસ્થાઓને કટોકટીની નાણાકીય સહાય મોકલી રહ્યું છે અને વધુ મદદ પૂરી પાડવા માટે લિબિયાના સત્તાવાળાઓ અને સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકલન કરી રહ્યા છે.
લિબિયામાં આવેલા વિનાશક પૂર બાદ ઘણા દેશો લીબિયાની મદદ માટે આગળ આવી રહ્યા છે. અમેરિકા, જર્મની, ઈરાન, ઈટલી, કતાર અને તુર્કી લીબિયાની મદદ માટે આગળ આવ્યા છે. રવિવારે રાત્રે આવેલા આ પૂરમાં કાર રમકડાંની જેમ તરતી જોવા મળી હતી. 89 હજારની વસ્તી ધરાવતા આ શહેરના રસ્તાઓ કાટમાળમાં ફેરવાઈ ગયા હતા.