મતભેદ ભૂલીને એક થઇએ: મોહન ભાગવત
અયોધ્યા (ઉત્તર પ્રદેશ): રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે સોમવારે ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પછી કહ્યું હતું કે રામ રાજ્ય આવી રહ્યું છે અને દેશમાં તમામ લોકોએ મતભેદો ભૂલીને એક થવું જોઈએ. અયોધ્યામાં નવા બનેલા રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. લાખો લોકોએ ટેલિવિઝન પર તેમના ઘરોમાં અને દેશભરના આ કાર્યક્રમને નીહાળ્યો હતો.
અયોધ્યામાં શ્રી રામલલાની નવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા બાદ અહીં આયોજિત સમારોહને સંબોધતા મોહન ભાગવતે કહ્યું હતું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકલાએ તપસ્યા કરી છે અને હવે આપણે બધાએ તે જ કરવાનું છે.”
ભાગવતે કહ્યું હતું કે રામલલાના જીવનની સાથે અયોધ્યામાં ભારતનું આત્મ ગૌરવ પણ પાછું આવ્યું છે. આજનો કાર્યક્રમ નવા ભારતનું પ્રતિક છે જે ઊભું થશે
અને સમગ્ર વિશ્વને મદદ કરશે.”તેમણે કહ્યું કે રામલલા 500 વર્ષ બાદ અનેક લોકોની તપસ્યાના કારણે પરત ફર્યા છે અને” હું તે લોકોના કઠોર પરિશ્રમ અને બલિદાનને નમન કરું છું.
ભાગવતે કહ્યું હતું કે રામ રાજ્ય આવી રહ્યું છે અને આપણે બધા મતભેદો છોડી દેવા પડશે, મતભેદ ખતમ કરવો પડશે અને નાના મુદ્દાઓ પર લડવાનું બંધ કરવું પડશે. આપણે આપણો અહંકાર છોડીને એક થઇને રહેવું પડશે. તેમણે કહ્યું હતું કે રામ સર્વવ્યાપી છે એ વાત જાણીતી છે અને આપણે આપણી વચ્ચે સમન્વય સાધવો પડશે. તેમણે કહ્યું કે ધર્મનું પ્રથમ સત્ય આચરણ જ એકતામાં રહેવું છે.