તો શું લોરેન્સ બિશ્નોઇ હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે!
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. એવામાં એક પક્ષનું વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. તેમણે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડવાની ઓફર કરી છે. માનવામાં ના આવે પણ આ સાચી વાત છે.
ઉત્તર ભારતીય વિકાસ સેના (UBVS) નામના રાજકીય પક્ષે બિશ્નોઈને પત્ર લખીને મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવા વિનંતી કરી છે. આટલું જાણે કે ઓછું હોય તેમ આ પાર્ટીએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સરખામણી શહીદ-એ-આઝમ સરદાર ભગત સિંહ સાથે કરી છે. UBVSએ ભારતના ચૂંટણી પંચ અને મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચમાં નોંધાયેલ છે.
UBVSના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનીલ શુક્લાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે મુંબઈમાં ચૂંટણી લડવા માટે ઉત્તર ભારતીય વિકાસ સેનાના 4 ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે અને જો લોરેન્સ બિશ્નોઈ મંજૂરી આપશે તો 50 ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
NCP નેતા બાબા સિદ્દીકીની હત્યામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈની ગેંગે લીધી છે. દરમિયાન મુંબઈ પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે. બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને મારવાની ધમકી આપતી લોરેન્સ બિશ્નોઇ ગેંગ ઘણા સમયથી સમાચારોમાં છે.
તાજેતરમાં જ બિશ્નોઈ ગેંગના એક કથિત સભ્યએ ગેંગસ્ટર સાથેના લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડાને ઉકેલવા માટે સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. લોરેન્સ બિશ્નોઈ હાલ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે.