‘પોક્સો’ ધારામાંની લઘુતમ વય નહિ ઘટાડવા કાયદા પંચની સલાહ
નવી દિલ્હી: કાયદા પંચે સરકારને બાળકો સામેના જાતીય ગુના રોકવા માટેના કાયદા ‘પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (પોક્સો)’ ઍક્ટમાંની ‘સંમતિ’ માટેની લઘુતમ વય ૧૮ વર્ષથી ઘટાડવા સામે ચેતવણી આપી હતી.
કાયદા પંચે જણાવ્યું હતું કે ‘પોક્સો’ હેઠળ સંમતિ માટેની લઘુતમ વય ઘટાડવામાં આવે, તો તેની ખરાબ અસર બાળલગ્ન, બાળકોને વેચવાના ધંધા (ચાઇલ્ડ ટ્રાફિકિંગ) અને બાળકીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવા સામેની કાર્યવાહી પર પડી શકે છે.
કર્ણાટકની વડી અદાલતનાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઋતુરાજ અવસ્થીના નેતૃત્વ હેઠળના કાયદા પંચે જણાવ્યું હતું કે અમે ૧૬ અને ૧૮ વર્ષના વયજૂથના
બાળકોને લગતા વિવિધ કેસમાંના સંબંધિત સૂચન પર ચર્ચાવિચારણા કરી હતી. ‘પોક્સો’ હેઠળ સંમતિની લઘુતમ વય ઘટાડવાથી બાળલગ્નો પ્રોત્સાહન મળશે. આપણા દેશમાં હજી બાળલગ્નનું દૂષણ સમાજમાં ફેલાયેલું છે.
કાયદા પંચે જણાવ્યું હતું કે દેશમાં સાયબર-ગુના વધી રહ્યા છે અને તેમાં પણ ‘સેક્સટોર્શન’ના વધેલા કિસ્સા સાબિત કરે છે કે બાળકોને દેહવ્યાપારમાં ફસાવીને તેઓનું શોષણ કરવાની પ્રવૃત્તિમાં વધારો થઇ રહ્યો છે. (એજન્સી)