દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું કામ ક્યારે પૂરું થશે? જાણો ગડકરીએ શું આપ્યો જવાબ…

નવી દિલ્હીઃ દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈને પૂર્ણ થવામાં થોડો સમય લાગશે. કેન્દ્રીય સડક પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું, એક્સપ્રેસ વેનું ઘણું કામ બાકી છે. આ દરમિયાન કેટલોક હિસ્સો ખોલવામાં આવ્યો છે.
રાજ્યસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે 2027-28માં સંપૂર્ણ રીતે શરૂ થવાની શક્યતા છે. આ એક્સપ્રેસ વેની મૂળ ડેડલાઈન માર્ચ 2024 હતી. જોકે તેના નિર્માણ કાર્યમાં અત્યાર સુધીમાં 2 વર્ષનો વિલંબ થયો છે. આ એક્સપ્રેસ વેની કુલ લંબાઈ 1350 કિલોમીટર છે. આ એક્સપ્રેસ કાર્યરત તયા બાદ મુંબઈથી દિલ્હી પહોંચવામાં 12 કલાકથી પણ ઓછો સમય લાગશે.
ગડકરીએ આ વિલંબ પાછળ જમીન સંપાદન, કોર્ટ કેસને જવાબદાર ગણાવ્યા હતા. વર્તમાનમાં નિર્માણાધીન 1208 નેશનલ હાઈવે પ્રોજેક્ટમાંથી 649માં વિલંબ થઈ રહ્યો છે. તેમાંથી 301 પ્રોજેક્ટમાં એક વર્ષથી વધુ વિલંબ થયો છે, 263 પ્રોજેક્ટમાં એકથી ત્રણ વર્ષ અને 85 પ્રોજેક્ટમાં ત્રણ વર્ષથી વધારે વિલંબ થયો છે. આ ઉપરાંત ગડકરીએ કહ્યું દેશમાં સેટેલાઈટ આધારિત ટોલ ટેક્સ સિસ્ટમ 2026ના અંત સુધીમાં શરૂ થશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દેશના છ રાજ્યોને જોડશે. આ છ રાજ્યોમાં દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર સામેલે છે. એક્સપ્રેસ વેનો મોટો હિસ્સો રાજસ્થાન અને ગુજરાતમાં છે.. આ એક્સપ્રેસ વે કાર્યરત થવાથી દિલ્લી અને મુંબઈ વચ્ચેનું અંતર ઘટશે. છ થી લઈ આઠ લેન સુધીનો આ એક્સપ્રેસ વે ભવિષ્યમાં 12 લેન સુધી વિસ્તારી શકાશે.
કયા રાજ્યમાં કેટલા કિમીની લંબાઈ
ગુજરાતઃ 426
રાજસ્થાનઃ 373
મધ્ય પ્રદેશઃ 244
મહારાષ્ટ્રઃ 171
હરિયાણાઃ 129
દિલ્હી 12
આ એક્સપ્રેસ વે પર મહત્તમ સ્પીડ 120 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. એક્સપ્રેસ વેનું નિર્માણ 2019માં શરૂ થયું હતું. ગુજરાત અને મધ્ય પ્રદેશ બોર્ડ પર એક્સપ્રેસ વેનું ઘણું કામ બાકી છે. આ ઉપરાંત ગુજરાતથી મહારાષ્ટ્ર તરફના રોડનું કામ અધૂરું છે. એક્સપ્રેસ વે સંપૂર્ણપણ કાર્યરત થવાથી અમદાવાદ, સુરત, વડોદરા, જયપુર, અજમેર, કોટા, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઈઇન્દોર જેવા શહેરો સુધી ઓછા સમયમાં પહોંચી શકાશે.
આ પણ વાંચો…મધ્ય પ્રદેશના બેતુલ-ઈટારસી નેશનલ હાઈવે મુદ્દે નીતિન ગડકરીએ અધિકારીઓને ઝાટક્યા



