નેશનલ

આ એરલાઇન્સને સામાનની બેગની મોડી ડિલિવરી કરવી પડી ભારે, રૂ.70,000ની ચૂકવણી કરવી પડી


બેંગલૂરુઃ ઘણી વખત ફ્લાઈટ દરમિયાન લોકોનો સામાન અન્ય એરપોર્ટ પર મળતો નથી અથવા મોડો મળે છે. મોટાભાગના લોકો તેના વિશે ફરિયાદ કરતા નથી, પરંતુ બેંગ્લોરના એક દંપતિએ ઈન્ડિગો એરલાઈન્સમાંથી સામાનની ડિલિવરીમાં વિલંબની ફરિયાદ કરી હતી અને તેને 70,000 રૂપિયાનું વળતર પણ મળ્યું હતું.

કેંસની વિગત મુજબ બેંગલુરુના કપલે તાજેતરમાં એક જાણીતી એરલાઇન્સ સામેની કાનૂની લડાઇ જીતી લીધી છે. બાયપ્પનહલ્લીમાં રહેતા આ કપલને પડેલી મુશ્કેલી માટે શહેરની ગ્રાહક અદાલત દ્વારા 70,000 રૂપિયાનું વળતર અપાવવામાં આવ્યું હતું.

કેસની વિગત મુજબ શેનોય કપલ 2021ના અંતમાં આંદામાન નિકોબાર ટાપુઓમાં પોર્ટ બ્લેરમાં વેકેશનનું આયોજન કર્યું હતુ. તેમણે ઇન્ડિગો એરલાઇન્સમાં ટિકિટ બુક કરાવી હતી અને એક નવેમ્બર, 2021ના રોજ બેંગલૂરુથી ઉડાન ભરી હતી. જ્યારે તેઓ ગંતવ્ય સ્થાને પહોંચ્યા ત્યારે તેમને જાણ થઇ હતી કે તેમની કપડા, દવા, બોટની ટિકિટ જેવી બધી આવશ્યક ચીજવસ્તુઓવાળી ચેક ઇન બેગ અહીં પહોંચી જ નહોતી. કપલે ઇન્ડિગોને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ઇન્ડિગોએ તેમને ખાતરી આપી હતી કે તેમની ખોવાયેલી બેગ બીજા દિવસે મળી જશે, પણ ત્રણ નવેમ્બર સુધી તેમને તેમનો સામાન મળ્યો નહોતો, જેને કારણે તેમની અડધાથી વધુ સફર પૂરી થઇ ગઇ હતી અને સામાનની રાહ જોતા તેમણે જરૂરી બધી વસ્તુઓ બહારથી ખરીદવી પડી હતી. ઇન્ડિગોના પ્રતિનિધિઓ સામાન વિશે જાણતા હતા, પરંતુ તેમણે શેનોય કપલને સાચી માહિતી આપી નહોતી.

શેનોય કપલે ઇન્ડિગો એરલાઇન્સના ઓપરેટર્સ ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડને કાનૂની નોટિસ મોકલી હતી અને તેમને પડેલી અસુવિધા માટે વળતર મેળવવા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગ્રાહક તકરાર નિવારણ કમિશનના તાજેતરના ચૂકાદામાં ઇન્ડિગો એરલાઇન્સને શેનોય કપલના રજાના અનુભવને બગાડવા માટે જવાબદાર ઠેરવવામાં આવી હતી અને કોર્ટે સામાનના વિલંબ માટે કપલને 50,000 રૂપિયાનું વળતર, માનસિક તકલીફ બદલ 10 હજાર રૂપિયા અને કોર્ટના ખર્ચ પેટે 10 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

આ ચૂકાદો એરલાઇન્સ માટે રીમાઇન્ડર છે કે મુસાફરોના સામાનની સમયસર ડિલીવરીને પ્રાથમિકતા આપવી જોઇએ. મુસાફરોને તેમનો સામાન તેમની સાથે મળે અને બિનજરૂરી પરેશાની તેમ જ અસુવિધાનો સામનો ના કરવો પડે એવી અપેક્ષા રાખવાનો અધિકાર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button