બાલાકોટમાં લશ્કરે તૈયબાનો ટોચનો કમાન્ડર ઠાર: એક જવાન શહીદ
બુધવારે સેનાના ટોચના બે અધિકારી અને બે જવાનનાં મોત થયાં હતાં
સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ: રાજૌરી અને પૂંચ જિલ્લામાં છેલ્લાં એક વર્ષથી આતંક ફેલાવી રહેલા લશ્કરે તૈયબાના ટોચના કમાન્ડર અને તેના સાથીદારને ઠાર મારી ભારતીય સેનાએ બાલાકોટમાં સેનાના બે અધિકારી અને ત્રણ જવાનની શહાદતનો ગુરુવારે બદલો લઈ લીધો હતો.
સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર રાજૌરીમાં ગુરુવારે આતંકવાદીઓ અને સેના દ્વારા કરવામાં આવેલા સામસામા ગોળીબારમાં એક આતંકવાદી ઠાર મરાયો હોવા ઉપરાંત એક જવાન પણ શહીદ
થયો હતો.
આ સાથે જ માર્યા ગયેલાઓની કુલ સંખ્યાનો આંક સાત થઈ ગયો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકવાદી ઠાર મરાયા હોવા ઉપરાંત સેનાના બે કૅપ્ટન સહિત પાંચ જવાન શહીદ થયા હતા.
ગુરુવારે બે આતંકવાદી માર્યા ગયા હોવા ઉપરાંત એક જવાન શહીદ થયો હતો તો બુધવારે કાલાકોટ રાજૌરીના બાજી વિસ્તારમાં શરૂ થયેલા સામસામા ગોળીબારમાં પહેલા દિવસે સેનાના બે કૅપ્ટન સહિત ચાર જવાન શહીદ થયા હતા જેને પગલે સેનાએ એ વિસ્તારમાં વધુ સૈનિક ટુકડી મોકલી હતી.
ઠાર મરાયેલા બે આતંકવાદીમાંથી એકની ઓળખ પાકિસ્તાની નાગરિક ‘કારી’ તરીકે થઈ હતી.
પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે તેને તાલિમ આપવામાં આવી હતી. ‘કારી’ લશ્કરે તૈયબાનો ટોચનો કમાન્ડર હતો.
છેલ્લાં એક વર્ષથી તે તેના સાથીદારો સાથે રાજૌરી અને પૂંચમાં સક્રિય હતો. ઢાંગરી અને કંડી આતંકવાદી હુમલાનો તે માસ્ટરમાઈન્ડ હોવાનું માનવામાં આવે છે. આ વિસ્તારમાં આતંકવાદને પુન:જીવિત કરવા આ લોકોને ત્યાં મોકલવામાં આવ્યા હતા.