ઈઝરાયલની મોટી કાર્યવાહી: મુંબઈ હુમલાની વરસી પહેલા પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

તેલઅવીવ: ઈઝરાયલે મંગળવારે 26/11ના મુંબઈ આતંકી હુમલાની 15મી વરસી પહેલા પાકિસ્તાન સંચાલિત લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે. 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં અનેક સ્થળોએ થયેલા આતંકવાદી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા, જેમાં ઘણા ઈઝરાયલી નાગરિકો પણ હતા. નવી દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મુંબઈ આતંકી હુમલાની 15મી વર્ષગાંઠ પર, ઇઝરાયલે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે.”
નિવેદનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, “ભારત સરકારે અમને આમ કરવાની વિનંતી કરી નથી. ઇઝરાયલે તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે અને લશ્કર-એ-તૈયબાને ઇઝરાયલની આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવા માટે તમામ જરૂરી નિયમોનું પાલન કર્યું છે.”
નોંધનીય છે કે 26 નવેમ્બર, 2008 ના રોજ, પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલા 10 આતંકવાદીઓએ દક્ષિણ મુંબઈમાં યહૂદી કેન્દ્ર છાબડ હાઉસ સહિત અનેક સ્થળોએ હુમલો કર્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 18 સુરક્ષા કર્મચારીઓ સહિત 166 લોકો માર્યા ગયા હતા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “લશ્કર-એ-તૈયબા એક ઘાતક અને નિંદનીય આતંકવાદી સંગઠન છે જે સેંકડો ભારતીયો અને અન્ય લોકોની હત્યા માટે જવાબદાર છે.” 26 નવેમ્બર, 2008ના રોજની તેની નિંદનીય ક્રિયાઓ, તમામ શાંતિ-પ્રિય દેશો અને સમાજોને ત્રાસ આપે છે.”