કર્ણાટકમાં ભડક્યો ભાષાવિવાદ, વિરોધકર્તાઓએ અંગ્રેજી સાઇનબોર્ડ તોડી પાડ્યા..
બેંગલુરુ: કર્ણાટકમાં ભાષાને લઇને ઉગ્ર વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. બેંગલરૂના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતના મહત્વના સ્થળો તથા સ્પા-સલૂન જેવી જગ્યાઓ પર જે સાઇનબોર્ડ અંગ્રેજીમાં લગાવેલા હોય તેમને કન્નડતરફી વિરોધકર્તાઓએ તોડી પાડ્યા હતા.
હાલમાં જ સિદ્ધારામૈયા સરકાર દ્વારા જાહેરાત થઇ હતી કે રાજ્યભરમાં દુકાનો સહિત અન્ય તમામ જગ્યાએ લગાવેલા સાઇનબોર્ડ 60 ટકા કન્નડ ભાષામાં હોવા જોઇએ, આથી જે લોકોએ આ નિયમનું પાલન નથી કર્યું તેવા તમામ લોકોની દુકાનો પર સાઇનબોર્ડ તોડી પાડવામાં આવી રહ્યા છે.
મુખ્યપ્રધાન સિદ્ધારામૈયા અનેકવાર લોકોને કન્નડ શીખવાની સલાહ આપી ચુક્યા છે. કર્ણાટકમાં ભાષાવિવાદ આમ કોઇ નવી વાત નથી, પરંતુ આ વખતે વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે જેમાં દેખાઇ રહ્યું છે કે વિરોધકર્તાઓ અંગ્રેજીનું લખાણ ધરાવતા સાઇનબોર્ડ્ઝ ઉતારી લઇ તેને નષ્ટ કરી રહ્યા છે. અમુક સાઇનબોર્ડ્ઝ પર કાળો રંગ ફેરવી દેવામાં આવ્યો છે.
અમુક મીડિયા અહેવાલો મુજબ બૃહદ બેંગલુરુ મહાનગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે BBMP હેઠળ આવતી તમામ દુકાનો તથા મોટી સંસ્થાઓ પાસે 28 ફેબ્રુઆરી સુધીનો સમય છે. જો તેઓ કન્નડમાં લખેલા સાઇનબોર્ડ્ઝના નિયમનું પાલન નહી કરે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમનું લાયસન્સ પણ રદ કરવામાં આવી શકે છે.
બેંગલુરૂ મેટ્રોમાં પણ ભાષા વિવાદ જોવા મળ્યો હતો. ઉગ્રવાદીઓએ જે મેટ્રો સ્ટેશનો પર હિંદી તથા અન્ય ભાષામાં નામ લખેલા હોય ત્યાં ટેપ ચોંટાડી દીધી હતી. ઓક્ટોબરમાં એક સભામાં સીએમ સિદ્ધારામૈયાએ જણાવ્યું હતું કે આપણે સૌ કન્નડીગા છીએ. રાજ્યમાં રહેતા તમામ લોકોએ કન્નડ બોલતા શીખવું જોઇએ.