ઝામ્બિયામાં ભૂસ્ખલન થતા સાતનાં મોત
લુસાકા: ઝામ્બિયામાં તાંબાની ખાણમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી રહેલા સુરંગમાં ભૂસ્ખલન થવાથી સાત ખાણિયાઓનાં મોત નીપજ્યાં હતાં. તેમજ ૨૦થી વધુ લોકો ગુમ થયા હતા. જે તમામ મૃત્યુ પામ્યા હોવાનું
માનવામાં આવી રહ્યું છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજધાની લુસાકાની ઉત્તરે લગભગ ૪૦૦ કિમી(૨૫૦ માઇલ) દૂર આવેલા કોપર-બેલ્ટ શહેર ચિંગોલામાં સેસેલી ઓપન-પીટ ખાણમાં ખાણિયાઓ તાંબા માટે ખોદકામ કરી રહ્યા હતા. ત્યારે રાત્રે ૯ થી ૧૦ વાગ્યાની વચ્ચે ભૂસ્ખલન થયું હતું. ગુરૂવારે મોડી રાત્રે ભૂસ્ખલન થયા બાદ હજુ સુધી એકેય મૃતદેહ મળ્યો નથી. કેટલાક ભોગ બનનાર ડૂબી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પોલીસે મૃત્યુ પામેલા ૭ લોકોની પુષ્ટિ કરતા જણાવ્યું કે સુરંગોમાંના તમામ ખાણિયાઓ મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે. ચિંગોલા જિલ્લા કમિશ્નર રાફેલ ચુમુપીના જણાવ્યા મુજબ ટનલમાં ૩૬ ખાણિયાઓ હોવાનો અંદાજ હતો. ઝામ્બિયાના રાષ્ટ્રપતિ હકાઇન્ડે હિચિલેમાએ મૃત્યુ પામેલાઓ માટે દુ:ખ વ્યકત કરતા જણાવ્યું હતું કે, અમારી પ્રાર્થના દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો અને પ્રિયજનો સાથે છે. અમે બચાવકર્તા અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરીએ છીએ, જેઓ હજુ પણ ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે અથાક મહેનત કરી રહ્યા છે. જિલ્લા કમિશ્નર ચુમુપીએ જણાવ્યું હતું કે, ખાણ માલિકોની જાણ બહાર ખાણિયાઓ ગેરકાયદેસર ખોદકામમાં રોકાયેલા હતા. ચિંગોલામાં ગેરકાયદેસર ખાણકામ સામાન્ય છે. ઝામ્બિયા દક્ષિણ આફ્રિકન દેશ છે. જે વિશ્રવના ૧૦ સૌથી મોટા તાંબા ઉત્પાદકોમાંનું એક છે.