Land-For-Job Case: બિહારના પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી અને તેમની દીકરીઓને કોર્ટે રાહત આપી, વચગાળાના જામીન મંજૂર
નવી દિલ્હી: બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી અને તેમની દીકરીઓ મીસા ભારતી અને હેમા યાદવને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી તાત્કાલિક રાહત મળી છે. રેલવેમાં કથિત લેન્ડ ફોર જોબ કૌભાંડના કેસમાં કોર્ટે ત્રણેયને 28 ફેબ્રુઆરી સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ફરિયાદ બાદ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ સ્પેશિયલ કોર્ટે બિહારના લાલુ પરિવારના કેટલાક સભ્યોને સમન્સ પાઠવ્યા હતા. જેમાં લાલુ યાદવની પત્ની રાબડી, તેમની પુત્રીઓ મીશા અને હેમાનો સમાવેશ થાય છે.
માહિતી અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 8 જાન્યુઆરી, 2024 ના રોજ, PMLA 2002 ની જોગવાઈઓ હેઠળ, અમિત કાત્યાલ, રાબડી દેવી, મીશા ભારતી, હેમા યાદવ, હૃદયાનંદ ચૌધરી અને બે કંપનીઓ મેસર્સ એકે ઈન્ફોસિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ, મેસર્સ એબી એક્સપોર્ટ્સ પ્રા. લિ. સામે પ્રોસિક્યુશન ફરિયાદ (PC) દાખલ કરવામાં આવી હતી.
કથિત લેન્ડ ફોર જોબ્સ સ્કેમ કેસમાં દિલ્હીની PMLA સ્પેશિયલ કોર્ટ સમક્ષ ફરિયાદ રજૂ કરવામાં આવી હતી. વિશેષ અદાલતે 27 જાન્યુઆરીએ આ અંગે સંજ્ઞાન લીધું હતું અને આરોપીઓને વધુ સુનાવણી માટે 9 ફેબ્રુઆરીએ હાજર રહેવા નોટિસ પાઠવી હતી.
બીજી તરફ EDએ કોભાંડ અંગેમોટો દાવો કર્યો હતો. ED અનુસાર, RJD પ્રમુખ લાલુ પ્રસાદની પત્ની અને બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીની ગૌશાળાના એક પૂર્વ કર્મચારીએ રેલવેમાં નોકરીની ઈચ્છા ધરાવતા વ્યક્તિ પાસેથી મિલકત મેળવી હતી અને બાદમાં હેમા યાદવને આપી હતી.
કેન્દ્રીય એજન્સીએ આ મહિનાની શરૂઆતમાં દિલ્હીની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં લાલુ પ્રસાદના પરિવારના સભ્યો રાબડી દેવી, મીસા ભારતી, હેમા યાદવ ઉપરાંત કેટલાક બહારના લોકોને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે.