મુખ્ય પ્રધાન બનવા માટે લાલુ યાદવે મારા પતિની હત્યા કરી: મહિલા સાંસદનો ગંભીર આક્ષેપ
પટના: બિહારના પૂર્વ મૂખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતાદળના સર્વે સર્વા લાલૂપ્રસાદ યાદવ પર ભાજપના મહિલા સાંસદે ગંભીર આક્ષેપ કર્યો છે. બિહારના શિવહર લોકસભા મતદારસંઘના સાંસદ રમાદેવીએ લાલુપ્રસાદ યાદવની આકરી ટીકા કરતાં કહ્યું કે, લાલુપ્રસાદ યાદવે મુખ્ય પ્રધાન બનવા માટે મારા પતિની હત્યા કરી છે. આ લોકોએ લાજ-શરમ છોડી દીધી છે અને અહીં માત્ર પૈસા ખાવા બેઠા છે. તેમની પાર્ટીમાં રોજ કોઇને કોઇ ગોટળો થતો જ હોય છે. એવો આક્ષેપ રમા દેવીએ કર્યો છે.
રમા દેવીએ પટનામાં આવેલ ગર્દબીનાગમાં આંદોલનકર્તાઓને સંબોધતા આરજેડી પર શાબ્દીક વાર કર્યો હતો. તેમણે સત્તાધારી રાષ્ટ્રીય જનતા દળ અને મહાયુતી સરકાર પર જોરદાર ટીકા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારી શક્તીનું સન્માન કરી મહિલા અનામત બિલ મંજૂર કરવાનું કામ કર્યું છે. તો બીજી તરફ બિહારના સત્તાધીશો માત્ર પોતાની મહિલાઓને જ સન્માન આપવાનું કામ કરે છે. એમ પણ તેમણે કહ્યું હતું.
સાંસદ રમા દેવીએ કહ્યું કે, લાલુપ્રસાદ યાદવ અબજો પતિ અને કરોડો પતિ થયા છે. તેમને જરા પણ શરમ નથી, જેલમાં જાઓ, જેલમાંથી બહાર આઓ, જામીન મેળવો બસ આટલાં જ કામ છે એમની પાસે. હવે જાતિય ગણતરીમાં પણ ગોટાળો થયો છે. આ ગોટાળો ચલાવી લેવામાં નહીં આવે. આ અપમાન સહેવામાં નહીં આવે. જવાબ આપવા માટે અમે સક્ષમ છીએ. અને અમે આનો વિરોધ જરુરથી કરીશું. બધા રાક્ષસોનો નાશ કરવા રમા દેવી જ પૂરતી છે.