નેશનલ

લાલુ યાદવ વક્ફ બિલના સમર્થનમાં? સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ, જાણો શું બોલ્યા

નવી દિલ્હી: આજે બુધવારે કેન્દ્ર સરકારે લોકસભામાં વકફ સુધારા બિલ 2025 (waqf amendment bill) રજુ કર્યું, ત્યાર બાદ ગૃહમાં ચર્ચા શરુ થઇ હતી. વિપક્ષના સાંસદો બીલનો વિરોધ કરી રહ્યા છે, ગૃહમાં ઉગ્ર દલીલો કરવામાં આવી હતી. કોંગ્રેસ ઉપરાંત, રાષ્ટ્રીય જનતા દળ(RJD), સમાજવાદી પાર્ટી(SP) અને તૃણમૂલ કોંગ્રેસ(TMC)સહિત અનેક પક્ષોએ આ બિલ લાવવા બદલ સરકારની ટીકા કરી. આ બધા વચ્ચે, RJD વડા લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)નો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વક્ફ બોર્ડ વિરુદ્ધ કડક કાયદાની માંગ કરી રહ્યા છે.

વીડિયોમાં લાલુ પ્રસાદ યાદવ સંસદમાં ભાષણ આપતા જોવા મળે છે. જેમાં તેઓ કહી રહ્યા છે, “સરકારની હોય કે બીજી કોઈ પણ હોય, બધી જમીનો પચાવી પાડવામાં આવી છે. પટનાના ડાક બંગલામાં રહેલી બધી મિલકતો પર એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે. લૂંટ થઈ છે. બિલ લાવો, અમે તેને પાસ કરાવીશું. હવેથી, પ્રક્રિયા કડક બનાવવી જોઈએ.”

આ પણ વાંચો: વક્ફ બિલ કેવી રીતે થશે પાસ? જાણો આંકડાકીય ગેમ

શાસક પક્ષના પ્રહારો

બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ પણ લાલુ યાદવનો આ વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું, “લાલુ યાદવજીએ 2010 માં સંસદમાં સ્વીકાર્યું હતું કે જમીન હડપ કરવા માટે વક્ફ બોર્ડમાં પાયે લૂંટ ચાલી રહી છે.”

કેન્દ્રીય પ્રધાન જીતન રામ માંઝીએ પણ વીડિયો શેર કરીને વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું, “કેટલાક લોકો વકફ સુધારા બિલનો વિરોધ ફક્ત એટલા માટે કરી રહ્યા છે કારણ કે આ કાયદો નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર લાવી રહી છે. બાય ધ વે, 2010 માં લાલુ પ્રસાદ યાદવે વકફ માટે કડક કાયદા બનાવવાની વાત કરી હતી. હું INDIA ગઠબંધનને લાલુજીની વાત ધ્યાનથી સાંભળવા અને ગૃહમાં વકફ સુધારા બિલ 2025 ના પક્ષમાં મતદાન કરવા વિનંતી કરું છું.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button