સુપ્રીમ કોર્ટમાંથી લાલુ પ્રસાદ યાદવને આંચકો, નીચલી અદાલતની કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર

નવી દિલ્હી : જમીનના બદલે નોકરી આપવાના કૌભાંડમાં આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો લાગ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતની કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. તેમજ વધુમાં દિલ્હી હાઈકોર્ટને આ કેસમાં ઝડપી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટે લાલુ યાદવને નીચલી અદાલતમાં હાજર રહેવા મામલે થોડી રાહત આપી છે.
દિલ્હી હાઈકોર્ટ પણ અરજી રદ કરી હતી
આરજેડી નેતાએ આ કેસમાં રાહતની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ પૂર્વે તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી જેને કોર્ટે રદ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે રાહત આપવા માટે કોઈ કારણ જણાતું નથી.
એફઆઈઆરમાં દાખલ ત્રણ ચાર્જશીટ રદ કરવાની માંગ કરી
લાલુ પ્રસાદ યાદવે સીબીઆઈની એફઆઈઆરમાં દાખલ ત્રણ ચાર્જશીટ રદ કરવાની માંગ કરી હતી. જે સીબીઆઈએ અનુક્રમે વર્ષ 2022, 2023 અને 2024 માં ફાઈલ કરી હતી. તેમણે દલીલ કરી કે એફઆઈઆર 14 વર્ષ બાદ વર્ષ 2022 માં દાખલ કરવામાં આવી હતી. જયારે સીબીઆઈએ અદાલત સમક્ષ ક્લોઝર રીપોર્ટ ફાઈલ કરી દીધો હતો. તેમજ પાછળની તપાસ અને ક્લોઝર રીપોર્ટને છુપાવીને નવી તપાસ શરુ કરીને કાનૂની પ્રકિયાનો દુરઉપયોગ કરવામાં આવ્યો છે.
તેમજ આ ગેરકાયદે તપાસથી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જે નિષ્પક્ષ તપાસના તેમના અધિકારોનું ઉલ્લંધન છે. હાલની તપાસ અને પૂછપરછ બંને ગેરકાયદે છે. તેમજ આ જરૂરી અનુમોદન વગર શરુ કરવામાં આવી છે.
શું હતો નોકરીના બદલે જમીન કેસ ?
આ સમગ્ર કેસ, મધ્યપ્રદેશના જબલપુર સ્થિત ભારતીય રેલ્વેના પશ્ચિમ મધ્ય ઝોનમાં ગ્રુપ-ડી નિમણૂકો સાથે સંબંધિત છે. આ નિમણૂકો વર્ષ 2004 થી 2009 દરમિયાન લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા ત્યારનો છે. આ નિમણૂકોના બદલામાં, લોકોએ આરજેડી સુપ્રીમોના પરિવાર અથવા સહયોગીઓના નામે જમીન ભેટમાં આપી હતી હતો અથવા તો ટ્રાન્સફર કરી હતી. જયારે 18 મે 2022 ના રોજ લાલુ પ્રસાદ યાદવ અને તેમની પત્ની બે પુત્રીઓ, અજાણ્યા સરકારી અધિકારીઓ અને ખાનગી વ્યક્તિઓ સહિત અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.