લાલુ પરિવારને મોટો ઝટકો! ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડમાં લાલુ-તેજસ્વી સહિત 46 સામે આરોપ નક્કી…

પટણાઃ રેલવેમાં કથિત રીતે જમીનને બદલે નોકરી આપવાનાં કૌભાંડમાં લાલૂ પરિવારની મુશ્કેલીમા વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઇની ચાર્જશીટ પર લાલુ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, મિસા ભારતી, હેમા યાદવ સહિત 46 લોકો વિરુદ્ધ આરોપ નક્કી કરી દીધા છે. જોકે, સ્પેશિયલ જજ વિશાલ ગોગનેએ પુરાવાના અભાવે આ કેસમાં અન્ય 52 આરોપીઓને નિર્દોષ જાહેર કરી મુક્ત કર્યા છે.
મળતી વિગતો અનુસાર, કોર્ટમાં સુનાવણી દરમિયાન તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવ રૂબરૂ હાજર રહ્યા હતા, જ્યારે લાલુ યાદવ અને રાબડી દેવીએ હાજરીમાંથી મુક્તિ મેળવી હતી. હવે આ તમામ આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC એક્ટ) અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ વિધિવત રીતે કેસ ચલાવવામાં આવશે. આ કેસ લાલુ પ્રસાદ યાદવ વર્ષ 2004 થી 2009 દરમિયાન યુપીએ સરકારમાં રેલ મંત્રી હતા તે સમયનો છે, જેમાં ગંભીર અનિયમિતતાના આક્ષેપો થયા છે.

આ કૌભાંડના મુખ્ય આરોપ મુજબ, રેલવેમાં ગ્રુપ-ડીના પદો પર ભરતી માટે કોઈપણ પ્રકારની જાહેરાત બહાર પાડ્યા વગર અનેક લોકોને નોકરીએ રાખવામાં આવ્યા હતા. આ નોકરીઓના બદલામાં લાલુ પરિવારના સભ્યો અને તેમના નજીકના લોકોના નામે કિંમતી જમીનો અત્યંત ઓછી કિંમતે અથવા તો ભેટ તરીકે લખાવી લેવામાં આવી હતી. સીબીઆઈની તપાસમાં બહાર આવ્યું છે કે જેમને નોકરી મળી હતી તેઓ બિહારના ગરીબ વર્ગના હતા અને તેમના શૈક્ષણિક દસ્તાવેજો પણ શંકાસ્પદ હતા.
સીબીઆઈએ આ મામલે કુલ 103 લોકોને આરોપી બનાવ્યા હતા, જેમાંથી 5 ના મૃત્યુ થયા છે અને 52 ને કોર્ટે મુક્ત કર્યા છે. હવે બાકી રહેલા 46 આરોપીઓ સામે છેતરપિંડી, ફોજદારી કાવતરું અને ભ્રષ્ટાચારની કલમો હેઠળ ટ્રાયલ ચલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મામલે સીબીઆઈ ગુનાહિત પાસાઓની તપાસ કરી રહી છે, જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગના પાસા પર અલગથી તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો…લાલુ યાદવની આ દીકરીએ રાજકારણ છોડવાની જાહેરાત કરતા બિહારમાં રાજકારણ ગરમાયું…



