નવી દિલ્હી: લેન્ડ ફોર જોબ મામલે દાખલ થયેલી ચાર્જશીટ બાદ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે યાદવ પિતાપુત્ર લાલુપ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ સહિત 17 આરોપીઓને સમન્સ મોકલ્યું છે. 4 ઓક્ટોબરે તમામ આરોપીઓએ કોર્ટ સામે હાજર થવાનું રહેશે.
‘લેન્ડ ફોર જોબ’ કેસમાં પહેલીવાર ચાર્જશીટમાં બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને સીબીઆઇએ આરોપી તરીકે દર્શાવ્યો છે. તેની સાથે સાથે ચાર્જશીટમાં લાલુ-રાબડી સહિત રેલવે ખાતાના અધિકારીઓ તેમજ નોકરી લેનારા કર્મચારીઓ મળીને 16 લોકોના નામ છે.
બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુપ્રસાદ યાદવ વર્ષ 2004થી 2009 સુધી જ્યારે રેલવે ખાતાના પ્રધાન હતા ત્યારે તેમણે આ કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. તેમના પર રેલવેની પરીક્ષાના ઉમેદવારોને નોકરીના બદલામાં જમીન લેવાનો આરોપ મુકવામાં આવ્યો છે. જેને પગલે સીબીઆઇએ લાલુ યાદવ, રાબડીદેવી અને તેજસ્વી સહિત 16 લોકો સામે કેસ દાખલ કર્યો હતો. ગૃહ મંત્રાલયે પણ ગત 12 સપ્ટેમ્બરે લાલુ યાદવ સામે કેસ ચલાવવાની મંજૂરી સીબીઆઇને આપી દીધી હતી.
આ કેસમાં ED પણ યાદવ પરિવાર સામે તપાસ કરી રહ્યું છે. EDએ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારની 6 કરોડ 2 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં ગાઝિયાબાદ અને બિહારની પ્રોપર્ટી સામેલ છે. એટેચ કરેલી મિલકતોમાં ડી-1088, ન્યુ ફ્રેન્ડ્સ કોલોની, નવી દિલ્હી ખાતે આવેલ રહેણાંક સંકુલનો સમાવેશ થાય છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને