
13 ડિસેમ્બરના રોજ સંસદમાં થયેલા હોબાળાના માસ્ટરમાઇન્ડ કહેવાતા લલિત ઝાના માતે પિતાનું કહેવું છે કે અમારો દીકરો નિર્દોષ છે. તે ક્યારેય આવું કરે જ નહી. તે ભણતો હતો ત્યારથી કે પછી તે કોચિંગમાં ભણાવતો હતો ત્યાં ક્યાંયથી પણ તેની ફરિયાદ મળી નથી. માતા મંજુલા ઝાએ જણાવ્યું હતું કે મારો પુત્ર ખૂબ જ સાદો છે. અચાનક આ બધું શું થઇ ગયું એ કંઈ સમજાતું નથી પરંતુ અમે ન્યાય મેળવવા કોર્ટમાં જઈશું.
આરોપી લલિત ઝાના પિતા દેવાનંદ ઝાએ જણાવ્યું હતું કે તેના મધ્યવર્તી અભ્યાસ બાદ લલિતને મેડિકલ પરીક્ષાની તૈયારી કરવી હતી પરંતુ અમારી ગરીબ પરિસ્થિતીને કારણે તે આગળનો અભ્યાસ કરી શક્યો નહીં. આ પછી તેણે કોલકાતામાં જ બાળકોને ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું. પરંતુ ક્યારેય કોઈ વાલીએ કે કોઇએ કોઇ જ પ્રકારની ફરિયાદ લલિત વિશે કરી નથી.
પિતા દેવાનંદ ઝાએ જણાવ્યું હતું કે પુત્ર વિશેની માહિતી મળતા સમગ્ર પરિવાર આઘાતમાં સરી ગયો છે. કોઈ સમજી શકતું નથી કે અચાનક શું થયું? લલિતના પિતા દેવાનંદ ઝા પશ્ચિમ બંગાળમાં રહે છે અને પૂજા કરે છે. આ તેમની આજીવિકાનું સાધન છે. લલિત ત્રણ ભાઈઓમાં તે વચ્ચેનો છે. તેનો મોટો ભાઈ સોનુ ઝા બંગાળમાં કપડાંની દુકાનમાં કામ કરે છે. નાનો ભાઈ શંભુ ઝા ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે.
નોંધનીય છે કે આજસુધી લલિત ઝા સામે કોઇપણ ફોજદારી કેસ નોંધાયેલ નથી. ત્યારે લોકનું કહેવું છે કે લલિતે બેરોજગારીના કારણે આવું પગલું ભર્યું છે.