બિહારમાં રાજકીય ભૂકંપ, શું નીતિશ કુમાર લાલન સિંહને બદલીને પાર્ટીની કમાન સંભાળશે?
પટણા: દિલ્હીમાં યોજાયેલી I.N.D.I.A એલાયન્સની ચોથી બેઠકમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારને કોઈ પદ મળ્યું ન હતું. ત્યારથી બિહારના રાજકારણમાં ઉથલ પાથલ શરૂ થવાની સંભાવના છે. નીતીશ કુમાર દિલ્હીથી પરત ફર્યા બાદ જેડીયુએ રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદની બેઠક એક સાથે બોલાવવાની જાહેરાત કરી હતી. બેઠકમાં રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહને JDU પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટાવી શકાય છે.
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર કે જેઓ હાલમાં કોઈ સંગઠનાત્મક હોદ્દો ધરાવતા નથી, તેઓ JDU પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 29 ડિસેમ્બરે પાર્ટીની બેઠક દરમિયાન આ નિર્ણયની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
નીતીશ કુમાર લાલન સિંહની કામ કરવાની રીત અને ખાસ કરીને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે તેમની વધતી જતી નિકટતાથી નારાજ છે. બિહારના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે લાલન સિંહ મુંગેરથી ફરીથી 2024ની લોકસભા ચૂંટણી લડી શકે છે તેમજ તેઓ આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.
જેડીયુનો ઈતિહાસ રહ્યો છે કે જ્યારે પણ રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદની એક સાથે બેઠક બોલાવવામાં આવી છે ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને બદલવામાં આવ્યા છે.
પરંતુ જો લાલન સિંહને 29 ડિસેમ્બરે પાર્ટીના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવે છે, તો તેઓ પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ જેવા કે જ્યોર્જ ફર્નાન્ડિસ, શરદ યાદવ, આરસીપી સિંહ, ઉપેન્દ્ર કુશવાહા અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની હરોળમાં જોડાઈ શકે છે. આ તમામ નેતાઓ નીતીશ કુમારથી અલગ થઈ ગયા છે.
પાર્ટીમાં પ્રવર્તી રહેલા સંજોગોને ધ્યાનમાં રાખીને નીતીશ કુમાર પાર્ટીના વડા પદ સંભાળી શકે છે. માનવામાં આવે છે કે નીતીશ 2024ની લોકસભા ચૂંટણી સુધી JDUના રાષ્ટ્રીય અધ્યક્ષની ભૂમિકા ભજવી શકે છે. જો કે, પાર્ટીમાં દલિત સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા અશોક ચૌધરી જેવા અન્ય નેતાઓ, રાજ્યના નાણા પ્રધાન વિજય કુમાર ચૌધરી અને જળ સંસાધન પ્રધાન સંજય ઝા પણ JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના સંભવિત દાવેદાર બની શકે છે.