લક્ષ્મણ મૂર્છિત થયા ને હનુમાનજી આખો પર્વત ઉઠાવી લાવ્યા, હવે એ પર્વત ક્યાં છે?
રામાયણમાં રામ અને રાવણનું યુદ્ધ ખૂબ જ મહત્વનો ભાગ છે. આ યુદ્ધ દરમિયાન લક્ષ્મણ મૂર્છિત થઈ જાય છે અને વૈદ્ય તેમને સજીવન કરવા માટે સંજીવની જડીબુટ્ટી લાવવા કહે છે. ત્યારે રામભક્ત હનુમાન સંજીવની લેવા તો જાય છે, પરંતુ તે પહાડ પાસે પહોંચે છે ત્યારે તેમને ખબર નથી પડતી કે આમાંથી કઈ જડીબુટ્ટી તેમણે લેવાની છે. આથી તેઓ આખો પહાડ ઉઠાવી લાવે છે. તે બાદ વૈદ્ય તેમાંથી સંજીવની ઓળખી તેનો રસ બનાવી લક્ષ્મણને પીવડાવે છે અને લક્ષ્મણ મૂર્છામાંથી બહાર આવે છે. આ બધુ તો આપણે જાણીએ છીએ, પણ સવાલ એ છે કે હનુમાન જે આખે આખો પર્વત ઉઠાવી લાવ્યા હતા તે પર્વત હવે ક્યાં છે. તો આવો આજે તેમને જણાવીએ આના વિશે.
હનુમાનજી તે પર્વત ઉઠાવી લાવ્યા હતા તેનું નામ દ્રોણાગિરિ છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીએ સંજીવની પર્વતના ટુકડા કરી લંકામાં ઘણી જગ્યાએ મૂક્યા હતા. તેથી, આ પર્વત હાલના શ્રીલંકામાં જ છે. આ પર્વત શ્રીલંકા નજીક રુમાસલા પર્વત તરીકે ઓળખાય છે. હનુમાનજી દ્વારા લાવેલા પર્વતના ટુકડા શ્રીલંકાના દક્ષિણ કિનારે ઘણી જગ્યાએ પડ્યા હોવાનું જાણવા મળે છે. ખાસ વાત એ છે કે જ્યાં પણ સંજીવની પર્વતના ટુકડા પડ્યા, ત્યાંની આબોહવા અને માટી પણ બદલાઈ ગઈ હોવાનું કહેવાય છે. આ સ્થળોના વૃક્ષો અને છોડ શ્રીલંકાના અન્ય વિસ્તારોમાં જોવા મળતી વનસ્પતિથી તદ્દન અલગ છે. હવે જ્યારે રુમાસલાના હનુમાનજી સંજીવની પર્વત ઉપાડીને લંકા પહોંચ્યા ત્યારે તેનો એક ટુકડો ઋતિગળામાં પડ્યો હતો. અહીં જોવા મળતી જડીબુટ્ટીઓ પણ આસપાસના વિસ્તારોથી સાવ અલગ છે. શ્રીલંકાના નુવારા એલિયા શહેરથી લગભગ 10 કિમી દૂર હકાગાલા ગાર્ડનમાં આ પર્વતનો મોટો ભાગ પડી ગયો હતો. એવું પણ માનવામાં આવે છે કે શ્રીલંકામાં ‘શ્રીપાદ’ નામના સ્થાન પર હાજર પર્વત પણ દ્રોણાગિરિ પર્વતનો જ એક ટુકડો હતો.
હનુમાનજી જે દ્રોણાગીરી પર્વતને ઉપાડીને લંકા લઈ ગયા હતા તે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠથી લગભગ 50 કિમી દૂર નીતિ ગામમાં છે. અહીંના લોકો હનુમાનજીથી નારાજ છે કારણ કે આ ગામના લોકો દ્રોણાગિરી પર્વતને દેવતા માને છે. આટલું જ નહીં લોકો એવું પણ કહે છે કે હનુમાનજીએ પર્વત દેવતાનો જમણો હાથ ઉપાડ્યો હતો. આ જ કારણ છે કે આજે પણ નીતી ગામના લોકો હનુમાનજીની પૂજા નથી કરતા.