હજયાત્રીઓની સુવિધાનો લાભ લક્ષદ્વીપના લોકોને મળ્યો: પીએમ મોદી
લક્ષદ્વીપ: એમ મોદી હાલમાં દક્ષિણ ભારતના રાજ્યોના પ્રવાસે છે. તમિલનાડુ, કેરળ સહિત તેઓ લક્ષદ્વીપમાં અનેક વિકાસ યોજનાઓના લોકાર્પણ તથા શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપશે. તેમણે હાલમાં લક્ષદ્વીપના કવરત્તી ખાતે ભવ્ય રોડ શો કરી ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, “હજયાત્રીઓની સુવિધા માટે અમારી સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનો લાભ લક્ષદ્વીપના લોકોને પણ મળ્યો. હજયાત્રીઓ માટે વિઝા નિયમો સરળ બનાવાયા છે. હજ સંબંધિત મોટાભાગની પ્રવૃત્તિઓને ડિજિટલમાં રૂપાંતરિત કરી દેવામાં આવી છે. સરકારે મહિલાઓને મહેરમ વગર હજ પર જવાની પરવાનગી પણ આપી છે. જેને પગલે ઉમરાહ માટે જતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.”
આ સાથે જ પીએમ મોદીએ ઈન્ટરનેટ, વીજળી, પાણી, આરોગ્ય અને બાળકો સંબંધિત નવી યોજનાઓનો લાભ મળવા બદલ લોકોને અભિનંદન પાઠવ્યા હતા, અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની પ્રાથમિકતા ભારતના દરેક ક્ષેત્રમાં વસતા નાગરિકનું જીવન સરળ બનાવવા અને તેમને સુવિધાઓ સાથે જોડવાની છે.
“આઝાદી બાદ દાયકાઓ સુધી કેન્દ્રમાં જે સરકાર રહી તેમની પ્રાથમિકતા ફક્ત પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવાની જ હતી. જે દૂર-દૂરના રાજ્યો છે. જે દેશના છેવાડે આવેલા છે તથા સમુદ્ર તટ પર આવેલા છે તેમની તરફ ધ્યાન આપ્યું નહિ. પાછલા 10 વર્ષોમાં અમારી સરકારે આ વિસ્તારોને પ્રાધાન્ય આપ્યું છે.” તેવું પીએમ મોદીએ ઉમેર્યું હતું.
લક્ષદ્વીપના કાર્યક્રમ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુ અને કેરળ જશે, તેઓ કેરળમાં વિવિધ ક્ષેત્રની મહિલાઓના કાર્યક્રમ ‘સ્ત્રી શક્તિ સમાગમ’ને સંબોધિત કરશે. આ ઉપરાંત તેઓ ભાજપ-એનડીએના એક કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકે છે.