બાળકને ખોળામાં લઈને ડ્યુટી કરતી જોવા મળી લેડી કોન્સ્ટેબલ, એસપીએ કરી પ્રશંસા
મુરાદાબાદ (યુપી): યુપીમાં 17 અને 18 ફેબ્રુઆરીના રોજ યુપી કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા યોજાઈ રહી છે. આ કારણે મુરાદાબાદમાં 1 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે, જેના માટે પોલીસ અને વહીવટીતંત્રે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસકર્મીઓ હાજર છે. મુરાદાબાદના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી SS ઈન્ટર કોલેજની સામે એક મહિલા પોલીસકર્મી તેના પુત્ર પ્રત્યે માતા તરીકે પોતાની ફરજ નિભાવતી જોવા મળી હતી.
લેડી કોન્સ્ટેબલ ગીતા પોતાના બાળકને ખોળામાં લઈને ડ્યુટી કરી રહી હતી. તેની પોસ્ટિંગ મુરાદાબાદના કોતવાલીમાં થઇ છે. મુરાદાબાદની એસએસ ઇન્ટર કોલેજમાં તેની ડ્યુટી 2 દિવસ માટે છે. લેડી કોન્સ્ટેબલ ગીતાએ જણાવ્યું હતું કે તેના પતિ ઘરે છે. પતિ પણ યુપી પોલીસમાં છે અને તે પરીક્ષાની ફરજ પર છે. તેની ડ્યુટી સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધીની છે. તેની નાની બહેન પણ આ પરીક્ષા આપી રહી છે, તેથી તેણે નાછૂટકે પુત્રને સાથે લઇને ફરજ પર આવ્વું પડ્યું છે. જ્યારે તેને પુત્ર પાંચ મહિનાનો હતો ત્યારથી તે તેને સાથે લઇને ડ્યુટીનું કામ કરી રહી છે. હવે તેનો પુત્ર દોઢ વર્ષનો થઇ ગયો છે તો થોડી ઓછી તકલીફ થાય છે.
જ્યારે એસપી સિટી અખિલેશ ભદૌરિયાને બાળકને ખોળામાં લઈને લેડી કોન્સ્ટેબલ ફરજ નિભાવી રહી હોવા વિશે વાત કરી તો તેમણે મહિલા પોલીસકર્મીની ભાવનાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે અમારા પોલીસકર્મીઓ તેમની ફરજ માટે હંમેશા તૈયાર છે. એસપીએ કહ્યું કે મહિલા પોલીસકર્મીના પતિ પણ પોલીસમાં છે, જેના કારણે તે પરીક્ષા સમયે બાળક સાથે ડ્યુટી માટે આવી હતી. દરેક વ્યક્તિ પોતાની ફરજની સાથે પારિવારિક જવાબદારીઓ પણ નિભાવી રહ્યો છે, આ ખૂબ જ સારી અને પ્રશંસનીય વાત છે.