છેલ્લા ઘણા સમયથી ચીન લદાખમાં આવેલા પેંગોંગ લેકની આસપાસને વિસ્તારમાં કબજો મેળવવા પ્રયત્નો કરી રહ્યું છે, જેના કારણે ભારત અને ચીનને સેનાના જવાનો વચ્ચે અથડામણો થઇ ચુકી છે. એવામાં તાજેતરમાં જાહેર થયેલી સેટેલાઈટ ઈમેજમાં જોવા મળે છે કે ચીને પેંગોંગ લેકના ઉત્તર અને દક્ષિણ કાંઠાને જોડતા પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું છે, અને પુલને અવરજવર માટે કાર્યરત પણ કરી દીધો છે. આનાથી ચીનને સૈનિકો અને સાધનોને એકત્ર કરવા સરળતા રહેશે.
લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ભારત અને ચીનની સેના વચ્ચે ધર્ષણ થયાના લગભગ બે વર્ષ પછી, વર્ષ 2022માં અહેવાલ આવ્યા હતા કે ચીન પેગોંગ લેક પર 400-મીટર લાંબો પુલ બનાવી રહ્યું છે. સેના વચ્ચે ધર્ષણ થયા બાદથી બંને દેશના દ્વિપક્ષીય સંબંધોને છ દાયકામાં સૌથી ખરાબ સ્થિતિમાં છે. એવામાં ચીન પક્ષે આ પુલની નિર્માણ પૂર્ણ થતા ભારત માટે ચિંતાનો વિષય છે.
જ્યારે બ્રિજના નિર્માણના અહેવાલો પ્રથમ આવ્યા ત્યારે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારતે તેના પ્રદેશ પર આવા ગેરકાયદેસર કબજાને ક્યારેય સ્વીકાર્યું નથી. હવે આ પુલનું બાંધકામ પૂર્ણ થયાના અહેવાલો બાદ ભારતીય અધિકારીઓ તરફથી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
યુ.એસ. સ્થિત ફર્મ બ્લેકસ્કાય દ્વારા આ બ્રીજની તસ્વીરો કેપ્ચર કરવામાં આવી છે. બ્લેકસ્કાય તેના રેપીડ રીવિઝિટ સેટેલાઇટ સાથે દિવસમાં 15 વખત ઈમેજો કેપ્ચર કરવામાં સક્ષમ છે. 9 જુલાઈની વહેલી સવારે, મધ્યાહન અને મોડી બપોર પછી લેવાયેલી તસ્વીરોમાં પુલનું બાંધકામ પૂર્ણ થયું હોવાનું અને તેનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું હતું. આ પુલ LAC થી લગભગ 25 કિમી દૂર આવેલો છે.
ઓટોમેટેડ વ્હીકલ ડિટેક્શને પેંગોંગ લેકના ઉત્તર અને દક્ષિણ કાંઠેથી પુલ સુધી પહોંચતા રોડવેઝ પર જુદા જુદા સ્થળોએ સ્થિત સંખ્યાબંધ વાહનોની હાજરી નોંધી હતી, જેમાં પુલ પરથી પસાર થતા વાહનનો પણ સમાવેશ થાય છે.
આખા દિવસ દરમિયાન લેવાયેલી જુદી જુદી ઈમેજમાં વાહનોના નંબર અને અથાણ બદલાતા બદલાતા જોવા મળ્યા છે. બ્રિજ માટે ઉત્તરીય એક્સેસ રોડ પર ફ્યુઅલ સ્ટેશન પણ બનવવામાં આવ્યું છે.
આ પુલ વિવાદિત અક્સાઈ ચીન વિસ્તારમાં LAC પાસે આવેલો છે, આ વિસ્તાર પર ભારત દાવો કરે છે. ચીન 1960 થી આ વિસ્તાર પર કબજો કરી બેઠું છે.