નેશનલ

ડોક્ટર્સનો ચમત્કાર: લદ્દાખમાં તૈનાત જવાનો હાથ કપાઈ ગયો, દિલ્હીના ડોકટરે જોડી આપ્યો

નવી દિલ્હી: ડોક્ટર્સને ધરતી પરના ભગવાનની ઉપમા આપવામાં આવે છે, જેને ખરું સાબિત કરતા ઘણા દાખલાઓ મળે છે. તાજેતરમાં દિલ્હીની આર્મી રિસર્ચ રેફરલ(R&R) હોસ્પિટલના ડોક્ટર્સે ચમત્કાર કરી બતાવ્યો હતો. લદ્દાખ(Ladakh)માં ફરજ પર મશીન ચલાવતી વખતે ભારતીય સેના(Indian Army)ના એક જવાનનો હાથ કપાઈ ગયો હતો, ત્યારબાદ તેને એરફોર્સ(Indian Airforce)ના C-130J વિમાન દ્વારા રાત્રે દિલ્હીની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે જવાનની આર્મી રિસર્ચ રેફરલ (R&R) હોસ્પિટલમાં ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી અને તેનો કપાયેલા હાથને ફરીથી જોડવામાં આવ્યો હતો.

અહેવાલો મુજબ આ ઘટના બુધવારે બની હતી. ઘાયલ સૈનિકને પહેલા લેહ એરપોર્ટ પર લાવવામાં આવ્યો અને ત્યાંથી સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટથી દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન લાવવામાં આવ્યો. તેને લેહ એરપોર્ટથી દિલ્હી લાવવામાં લગભગ ચાર કલાક લાગ્યા અને આર્મી અને એરફોર્સ વચ્ચેના સંકલનને કારણે ઘાયલ સૈનિકની સર્જરી સમયસર થઈ શકી, અને તેનો કપાયેલો હાથ પાછો જોડવામાં આવ્યો.

ભારતીય વાયુસેનાએ આજે શુક્રવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી હતી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઘાયલ જવાનની તસવીર પણ પોસ્ટ કરી છે.

પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે, “મશીન ચલાવતી વખતે ભારતીય સેનાના જવાનનો હાથ કપાઈ ગયો હતો. તેના કપાયેલા હાથને ફરી શરીર સાથે જોડવા કરવા માટે ઇમરજન્સી સર્જરીમાં છથી આઠ કલાકનો સમય લાગ્યો હતો, જેના માટે ભારતીય વાયુસેનાનું C-130J એરક્રાફ્ટ રવાના કરવામાં આવ્યું હતું.”

ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘાયલ સૈનિકને ગાઢ અંધકારમાં વિમાન દ્વારા લાવવામાં આવ્યો હતો અને નાઇટ વિઝન ગોગલ્સનો ઉપયોગ કરવો પડ્યો હતો. વાયુસેનાએ તેની પોસ્ટમાં લખ્યું, “અંધારામાં લદ્દાખ સેક્ટરથી ભારતીય વાયુસેના દ્વારા સમયસર એરલિફ્ટને કારણે ઘાયલ સૈનિકને તાત્કાલિક તબીબી સારવાર મળી. તબીબી કર્મચારીઓની સમર્પિત ટીમે સફળ સર્જરી કરી અને જવાન હવે સ્વસ્થ થઈ રહ્યો છે.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button