કચ્છ પહોંચ્યો શિયાળો નલિયા ૧૩ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના પહાડોમાં થઇ રહેલી ભારે બરફ વર્ષાની અસર હેઠળ ઠંડી-ગરમી વચ્ચે લાંબા સમયથી અટવાયેલા કચ્છમાં આખરે શિયાળાનું આગમન થયું છે અને સર્વત્ર એકાએક ઠંડીનો ચમકારો અનુભવાઈ
રહ્યો છે.
કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં આજે લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રી જેટલું રહેતાં આ સિંગલ ડિજિટ તાપમાન થવાનું જાણે કાઉન્ટડાઉન શરૂ થયું છે.
દીપોત્સવી પર્વના દિવસે વહેલી સવારે દેવ મંદિરોમાં દર્શન કરવા બહાર નિકળેલા લોકો ગરમ વસ્ત્રો ન પહેરવા બદલ વસવસો કરતા નજરે પડ્યા હતા. જમ્મુથી કચ્છમાં પહોંચી આવેલા ઠંડા વાયરાઓએ બપોરે પડતી ગરમીની પક્કડને ઢીલી બનાવી દેતાં એકાએક ઠંડીનો અહેસાસ અનુભવાઈ રહ્યો છે. નલિયા ઉપરાંત ભુજ, ગાંધીધામ, કંડલા, ખાવડા સહિતના વિસ્તારોમાં લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે સરકી જતાં શિયાળાએ કાયદેસરની દસ્તક દીધાનો અનુભવ જનજીવનને થઇ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના જોજિલા, મુઘલ રોડ, ગુલમર્ગ, સોનમર્ગ સહિતના વિસ્તારોમાં થઇ રહેલી બરફવર્ષાથી ઉત્તર ભારતની સાથે કચ્છમાં આગામી એકાદ સપ્તાહમાં જ શિયાળાની મજબુત પક્કડ જામે તેવી પ્રબળ સંભાવના મોસમ વિભાગ દ્વારા વ્યકત કરાઈ છે.