નેશનલ

ગુજરાત ને રાજસ્થાનનાં વિવિધ ઘાસિયાં મેદાનોમાં કલરવ કરીને થનગનતાં મુસાફર જીવ – કુંજ

ટ્રાવેલ પ્લસ -કૌશિક ઘેલાણી

પંખીઓ સૃષ્ટિનાં આરંભથી જ આ ધરાને વસુધૈવ કુટુંમ્બક્મની ભાવનાથી જોતા આવ્યા છે અને એ ક્રમ આજ દિન સુધી ચાલતો આવ્યો છે. યુરોપિયન દેશોમાંથી ભારત આવતા વિવિધ પક્ષીઓની મુસાફરીનું વિજ્ઞાન અચરજ પમાડે તેવું હોય છે. આ સૃષ્ટિનાં સમગ્ર જમીની વિસ્તાર, સમુદ્ર અને આકાશ પર લાખો વર્ષોથી લઈને આજની ઘડી સુધી પક્ષીઓ રાજ કરતા આવ્યા છે. વસંત ઋતુ ખીલે કે આ પક્ષીઓ મુસાફરની માફક ધરતીનાં એક છેડેથી બીજા છેડા સુધી લાંબી મુસાફરીનો આરંભ કરે છે અને પતઝડની મોસમ બેસતા જ ફરી એ જ રસ્તે પરત ફરે છે, જેનું એક માત્ર કારણ છે પોતાનાં જીવનનાં અસ્તિત્વને ટકાવી રાખવું.

જીવનનાં દરેક પાસાઓનો ખૂબ જ ઓછા સમયમાં અનુભવ કેળવીને કોઈ પણ જાતનાં સ્વાર્થ વિના બધી જ હકારાત્મક અને નકારાત્મક શક્યતાઓને તેઓ પોતાની આગલી પેઢીને શીખવે છે. આ જ પક્ષીઓ સરળ અને સફળ લાંબી એટલે કે હજારો માઈલની મુસાફરી માટેની વ્યૂહરચનાને દરેક સાથીદારોના મગજમાં ઠસાવી દે છે અને સઘળા પક્ષીઓ એક સાથે મુસાફરી આદરે છે. મારા પપ્પા ખેતરમાં ઊંચે નજર માંડીને કહેતા કુંજડાં આવવાનાં શરૂ થઇ ગયા એટલે હવે શિયાળો બેઠો સમજો. આ કુંજ ગજબનાં મુસાફર જીવડાં હો ભાઈ. શિયાળાનું પાકું એંધાણ જ આ પક્ષીઓ આપે. આપણા પ્રદેશમાં શિયાળુ મોંઘેરા મહેમાન કુંજનાં આગમનની શરૂઆત થઇ ચૂકી છે. સદીઓથી પક્ષીઓ આ સૃષ્ટિ પર રાજ કરતા આવ્યા છે. પક્ષીઓનાં માઈગ્રેશન રૂટ સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો મહત્ત્વનો હિસ્સો ગુજરાતમાંથી પસાર થાય છે એટલે હવે અવનવા પક્ષીઓ મુસાફર બનીને ગુજરાત આવે છે. પંખીઓનાં આવા વિશ્ર્વને શ્રી ધ્રુવ ભટ્ટે અદ્ભુત શબ્દો આપ્યા છે.

પાંખમાં ભરીને ચલો આખું આકાશ કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ
ભાંગતા કિનારાનું ભાંગે એકાંત એવી કલબલતી કોઈ વાત બોલીએ
માળાનો હોય નહીં આપણને સાદ સાવ ટૂંકા રોકાણ છીએ આપણે
યાયાવર ગાન છીએ આપણે
-ધ્રુવ ભટ્ટ
નવું વર્ષ બેસે કે ગુજરાત અને રાજસ્થાનનાં રણ વિસ્તાર, ઘાસિયાં મેદાનો અને સરોવરોની આસપાસનાં ખેતરોમાં કુંજનો કલરવ ગુંજવા માંડે. વહેલી સવારે ઊંચે આકાશમાં નજર માંડો કે એકમેકની પાછળ શિસ્તબદ્ધ શેપમાં ઉડાન ભરતા નજરે ચઢે. દેખાવે આકર્ષક લાગતા કુંજ મોટા ભાગનો સમય ખોરાક શોધવામાં જ વિતાવતા હોય છે. પોતાની લાંબી અને મજબૂત ચાંચનો ઉપયોગ કરીને જમીનમાં ઉગેલા ઝાંખરાઓનાં મૂળ ખોદીને તેઓ ખાતા હોય છે આ સિવાય ખેતરમાં જમીનમાં રહી ગયેલા મુળીયાઓમાંથી અને રણ વિસ્તારનાં ઝાંખરાંઓમાંથી તેઓ ખોરાક મેળવતા હોય છે. તેઓનું દિશા જ્ઞાન અચરજ પમાડે તેવું છે. જે રૂટનો ઉપયોગ કર્યો હશે એ જ રસ્તેથી તેઓ પરત ફરે છે અને એ જ પ્રક્રિયા વર્ષો વર્ષ સુધી ચાલ્યા જ કરે છે. તેઓ નવી પેઢીનાં પક્ષીઓને રસ્તા અને રસ્તા પર આવતા સંકટ વિષે માહિતગાર કરતા હશે.

મોટાભાગે તેઓ ૨૫૦૦ મીટર કરતા વધારે ઊંચાઈ વાળા વિસ્તારો પરથી ઉડવાની પ્રક્રિયાને ટાળતા હોય છે જેથી યોગ્યતા માત્રામાં હવાની મદદ મળી રહે અને શક્ય એટલા ઓછા સમયમાં યોગ્ય સ્થળે વિરામ માટે ઉતરાણ પણ કરી. શકાય યુરોપિયન દેશોમાં વધુ માત્રામાં જોવા મળતું આ પક્ષી ભારતમાં રાજસ્થાન અને ગુજરાતને પોતાનું શિયાળુ આવાસ બનાવે છે. કચ્છનાં મોકળા બન્નીનાં ઘાસિયાં મેદાનો તેઓ માટે સ્વર્ગ છે.

નળ સરોવર આસપાસનાં ખેતરોમાં, કાઠીયાવાડનાં ભાલ વિસ્તારનાં મગફળીનાં ખેતરોમાં, કચ્છનાં નાના રણનાં ખુલ્લાં મેદાનોમાં આ પક્ષીઓ ખૂબ જ મોટા સમૂહમાં ઊતરે છે. આ પક્ષીઓની ઉડાનને જોઈને જાણે પળવાર માટે જગ વિસરી જવાય એવો એનો નાદ હોય છે અને અનન્ય પ્રકારની ઊડાન જોવા મળે છે. અસંખ્ય પક્ષીઓ એક સાથે ઝડપથી ઉડતા હોવા છતાં એકમેક સાથે એવો તાલમેળ જાળવે છે. તેઓ એકબીજાને મદદ કરીને સુરક્ષિત રીતે હજારો કિમી જેટલી મુસાફરી દિવસ દરમ્યાન સતત ઉડાન ભરીને પાર પાડે છે અને રાત થતા જ સુરક્ષિત વિસ્તાર પસંદ કરીને આરામ કરે છે અને દિવસની શરૂઆત થતા જ ફરી ઉડાન શરૂ કરે છે.

પરત ફરતી વખતે ગુજરાતથી નીકળીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને છેલ્લે કઝાકિસ્તાન પહોંચે છે અને ફરી પાછા ગુજરાતનાં નળ સરોવર સુધી પરત ફરે છે. કુંજ માત્ર દિવસે જ ઉડાન ભરે છે અને રાત્રે યોગ્ય સ્થળે આરામ કરે છે, એમ કરતા કરતા તેઓ ૧૦-૧૨ દિવસમાં આશરે ૪૫૦૦ કિમી સુધીની મુસાફરી કરીને ગુજરાત અને રાજસ્થાનમાં ઉતરાણ કરે છે. કુંજ પક્ષીઓમાં મોટા ભાગે વડીલ કુંજ હોય જ છે જે માર્ગદર્શક બની રહે છે. અફઘાનિસ્તાન વિસ્તાર પર પસાર થતી વખતે તેઓ ખાસ સાવચેતી રાખીને ઓછામાં ઓછો વિશ્રામ કરીને પસાર થાય છે.

કચ્છનાં છારી ઢંઢનાં વિશાળ મેદાનો તેઓ માટે સ્વર્ગ સમાન છે. બનાસકાંઠાનો રણ વિસ્તાર, પોરબંદર નજીક આવેલ અમીપુર ડેમ વિસ્તાર, મોકરસાગર જળ પ્વલિત ક્ષેત્ર, માંડવીનો દરિયાઈ પટ્ટો, કચ્છનાં નાના રણથી લઈને રાજસ્થાનનાં આખેય રણ વિસ્તારનો વિશાળ પટ્ટો, પાકિસ્તાન તરફી આવેલો રણ વિસ્તાર જેવા ક્ષેત્રોમાં કુંજનો કલરવ આખા શિયાળા દરમ્યાન સાંભળવા અને જોવા મળે. શિયાળાની ઋતુમાં કુદરતનાં સંપૂર્ણ પણે ખીલેલા રંગો, પંખીઓનું મધુર સંગીત અને સમીરનાં સ્પર્શની શીતળતાનો અનુભવ શબ્દોમાં વર્ણવીને કોઈ સાથે શેર કરવા કરતા વગડાની વાટે જ નીસરી જવું પડે. અમદાવાદ નજીકની નવી જ જાહેર કરાયેલી રામસર સાઈટ થોળ પક્ષી અભયારણ્યમાં હાલમાં કુંજનાં ટોળેટોળા તળાવનાં કિનારે ગમ્મત કરતા જોવા મળે એમને જોવામાં મારો આખો ટંક ક્યાં જતો રહે એ સૂર્ય ક્ષિતિજ પર ઢળ્યા પછી જ ખ્યાલ આવે. ઓક્ટોબર – નવેમ્બર દરમ્યાન શરૂ થયેલું માઈગ્રેશન થકી ડિસેમ્બરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કુંજ જોવા મળે છે.

માર્ચ એપ્રિલ મહિનાની ગરમી શરૂ થતા જ પોતાનાં બ્રિડીંગ
ગ્રાઉન્ડ તરફ પરત ફરવા ઉડાન ભરે છે. પરત ઉડાન ભરતા પહેલા તેઓ લાંબા પ્રવાસ માટે જરૂરી એવી ઊર્જા મેળવી લે છે જેથી તેઓ ઓછામાં ઓછા સમયમાં વધારેમાં વધારે અંતર
કાપી શકે.

દુનિયા માટે દિવસ ઢળે પણ મારા માટે તો દિવસ ઉગે. સોનેરી સંધ્યા ટાણે આ વિશ્ર્વપ્રવાસી કુંજ તેઓનાં કલરવથી આખું વાતવરણ ગૂંજવી મૂકે ત્યારે એક આખો પરિવાર ક્યાંક પ્રવાસે નીકળવાનો હોય ત્યારે આદરવામાં આવતી તૈયારીઓ નજર સમક્ષ તરવરે. કોઈ પણ જીવ જ્યારે કોઈ સ્થળને પોતાનું ઘર બનાવે એટલે એ સ્થળ સાથે ગજબની આત્મીયતા
બંધાઈ જાય. પોતાના જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેઓ લાંબો પ્રવાસ ખેડીને ગુજરાતમાં શિયાળો ગાળવા આવતા આ પક્ષીઓ ઉનાળો બેસે કે અધધ લાંબી એટલે કે હજારો
માઈલની સફર શરૂ કરે એ પહેલા તેઓ આખાયે આકાશમાં ગુંજતા ગુંજતા ચક્કર લગાવે જાણે તેઓ પોતાનાં ઘરને
છેલ્લી વાર જતા જતા જોઈ લેતા હોય. મારા મનમાં તેઓને જોઈને એક નિ:શ્ર્વાસ નંખાઈ જાય કે આ તળાવે ફરી હું
આવીશ પણ મને કુંજની ગુંજ થોડા મહિનાઓ સુધી નહિ
સાંભળવા મળે. આપણે પોતાની જાતને વિશ્ર્વ પ્રવાસી તરીકે ઓળખાવીએ પણ આમનાથી વિશેષ વિશ્ર્વ તો આપણે નહિ જ જોયું હોય ને?

બસ આ સફર ચાલ્યા જ કરે અવિરત!

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…