કુંભમેળો 2025ઃ પવિત્ર નગરી પ્રયાગરાજમાં કેવો છે માહોલ
પ્રયાગરાજઃ કુંભ મેળાના પ્રારંભની તારીખ નજીક આવી રહીછે ત્યારે પ્રયાગરાજમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રયાગની એકએક ગલી કુંભ મેળાના રંગમાં રંગાઈ રહી છે અને દિવાલોથી માંડી ઘરની ઘરની અગાશી પર પણ રંગીન ચિત્રો દ્વારા શણગાર થઈ રહ્યો છે.
બીજી બાજુ ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે કુંભ મેળાની શરૂઆત પહેલા 9 જાન્યુઆરી આસપાસ પ્રયાગરાજમાં તાપમાન સામાન્ય કરતા નીચે જવાની શક્યતા છે.
આ પણ વાંચો: પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની તડામાર તૈયારીઓ, 26 મુખ્ય ચોક પર મુકાશે અર્જુન અને ગરુડ સહિતની પ્રતિમાઓ…
અહીં તૈયારીઓની જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં શંભુ પંચાયતી અટલ અખાડાના સાધુઓને પેશવાઈ શોભાયાત્રામાં ભાગ લેતા જોઈ શકાય છે. પેશવાઈ સરઘસ પ્રયાગરાજમાં મહાકુંભ મેળા 2025 માટે સાધુઓ અને અખાડા અથવા સંપ્રદાયના અન્ય સભ્યોનું આગમન થઈ રહ્યું છે.
તૈયારીની વાત કરીએ તો પ્રયાગરાજમાં યાત્રાળુઓ અને અન્ય મુલાકાતીઓની સુવિધા માટે 92 રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું છે. આ સાથે ભાષાઓમાં 800 સાઈન બોર્ડ લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તમને તમારી ભાષામાં પણ માહિતી મળી રહે તેવો સરકારનો પ્રયાસ છે. આ સાથે એક વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે પહેલીવાર, પાણીમાં ડૂબકી મારવા અને 100 મીટરની ઊંડાઈ સુધી દેખરેખ રાખવા માટે સક્ષમ અંડરવોટર ડ્રોન 24 કલાક દેખરેખ માટે સંગમ વિસ્તારમાં કાર્યરત કરવામાં આવશે. આ સાથે સ્વચ્છતાનું પૂરેપુરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને મચ્છરો ન ફેલાય અને મેલેરિયા ન ફેલાય તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશને મળ્યો 76મો જીલ્લો, ‘મહા કુંભ મેળા’ ને નવો જિલ્લો જાહેર કરાયો
વિશ્વનો સૌથી મોટો માનવમેળો આપણા દેશમાં યોજાય છે, જેમાં લગભગ 40 કરોડ લોકો ભાગ લેશે. આવનારી 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી આ કુંભમેળો 45 દિવસ માટે યોજાશે. આ માટ ખાસ ટેન્ટ અને રહેવાની વ્યવસ્થા, મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.