નવી દિલ્હી : દેશમાં લોકસભા ચુંટણીના પરિણામો(Lok Sabha Election Result) સ્પષ્ટ થયા છે. જેમાં કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમત નથી મળ્યો. તેમજ ભાજપ(BJP) સૌથી વધુ 240 બેઠક મેળવનાર પક્ષ બન્યો છે. જો કે આ દરમ્યાન ભાજપની આગેવાનીમાં એનડીએને(NDA) બહુમતીથી વધુ બેઠકો મળી છે. એનડીએને કુલ 293 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને(Congress) 99 અને ઇન્ડી ગઠબંધને 234 બેઠકો મળી છે.તેમજ અપક્ષના ફાળે 16 બેઠકો છે. તેવા સમયે ત્રીજી વાર એનડીએની સરકાર બનવા જઇ રહી છે. તેવા સમયે એક તરફ ઇન્ડી ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
કેન્દ્રમાં સરકાર બનાવવાનો કોંગ્રેસનો પ્રયાસ સફળ નહીં થાય
ત્યારે જનતા દળ સેક્યુલર (JDS)ના નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું છે કે કેન્દ્રમાં સરકાર બનાવવાનો કોંગ્રેસનો પ્રયાસ સફળ નહીં થાય. દિલ્હી જતા પૂર્વે પત્રકારો સાથે વાત કરતા કુમારસ્વામીએ કહ્યું કે રાજધાનીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઘટક પક્ષોની બેઠક થશે અને તે JDS વતી તે તેમાં ભાગ લેશે. સરકાર બનાવવાના કોંગ્રેસના પ્રયાસ અંગેના પ્રશ્નના જવાબમાં કુમારસ્વામીએ કહ્યું કે કંઈ થશે નહીં.
કુમારસ્વામી માંડ્યાથી જીત્યા
કુમારસ્વામી જેડીએસમાં બીજા નેતા છે. તેઓ NDAના ઉમેદવાર તરીકે માંડ્યા બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા છે. કોલારથી પાર્ટીના ઉમેદવાર મલ્લેશ બાબુ જીત્યા. જો કે, હાસનથી પાર્ટીના ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના ચૂંટણી હારી ગયા છે.
કર્ણાટકમાં એનડીએ 19 બેઠકો જીતી
ભારતના ચૂંટણી પંચે મંગળવારે 543 લોકસભા સીટોમાંથી 542 સીટોના પરિણામો જાહેર કર્યા હતા, જેમાં ભાજપને 240 સીટો અને કોંગ્રેસે 99 સીટો પર જીત મેળવી છે. કર્ણાટકમાં એનડીએએ 28 લોકસભા બેઠકોમાંથી 19 પર જીત મેળવી છે. ભાજપે 17 બેઠકો જીતી છે અને જેડીએસને બે બેઠકો મળી છે.
કર્ણાટકમાં કોંગ્રેસને 9 બેઠકો મળી છે
ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં 25 બેઠકો જીતી હતી. જેમાં પક્ષ દ્વારા સમર્થિત એક અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણી 2019 માં કોંગ્રેસે રાજ્યમાં એક બેઠક જીતી હતી જે આ વખતે 9 બેઠકો જીતી છે.