નેશનલ

પંજાબ AAP સરકારનું ભોપાળું: ખાતાનું અસ્તિત્વ જ નહીં અને પ્રધાન ફરજ નિભાવતા રહ્યા! જાણો શું છે મામલો…

ચંડીગઢ: દિલ્હીમાં કથિત લિકર પોલિસી કૌભાંડ અને અન્ય કેટલાક અન્ય કથિત કોભાંડોને કારણે દિલ્હીમાં આપ આદમી પાર્ટી(AAP)ની છબીને મોટું નુકશાન પહોંચ્યું છે. જેને આ મહીને યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPની કારમી હારનું મુખ્ય કારણ માનવામાં આવે છે. AAPએ દિલ્હીમાં 10 વર્ષ બાદ સત્તા ગુમાવી. હવે પંજાબમાં મુખ્ય પ્રધાન ભગવંત માનની આગેવાની હેઠળની AAP સરકાર સામે પણ ગંભીર આરોપો લાગી (Punjab AAP Government) રહ્યા છે. એક અગ્રેજી અખબારમાં અહેવાલ પ્રકાશિત થતા ખળભળાટ મચી ગયો છે.

Also read : રાહુલ ગાંધીને ઝટકો આપવાના મૂડમાં આ નેતા, પી એમ મોદીની કરી ચૂક્યા છે પ્રશંસા

પંજાબ સરકારને 20 મહિને ખ્યાલ આવ્યો!
અખબારના અહેવાલ મુજબ ભગવંત માન સરકારના પ્રધાનમંડળના વરિષ્ઠ પ્રધાન કુલદીપ સિંહ ધાલીવાલ (Kuldeep Singh Dhaliwal) 20 મહિનાથી એવા વિભાગનું નેતૃત્વ કરી રહ્યા હતા, જેનું વાસ્તવમાં જોઈ અસ્તિત્વ જ નથી. રાજ્ય સરકારમાં એવો કોઈ વિભાગ નહતો.

પંજાબ સરકારે વિભાગ અસ્તિત્વમાં ન હોવાની સ્પષ્ટતા કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. અહેવાલ મુજબ પંજાબ સરકારને એ સમજવામાં લગભગ 20 મહિના લાગી ગયા કે તેના એક પ્રધાનને સોંપવામાં આવેલા વિભાગનું હકીકતમાં જોઈ અસ્તિત્વ જ નથી.

સરકારનું જાહેરનામું:
આજે પંજાબ સરકારે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. સરકારે જાહેરનામાં કહ્યું છે કે હવે પ્રધાન ધાલીવાલ ફક્ત NRI બાબતોના વિભાગનો હવાલો સંભાળશે. પંજાબ સરકારના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પંજાબના રાજ્યપાલે, મુખ્યપ્રધાનની સલાહ પર, 7 ફેબ્રુઆરી, 2025 થી પ્રધાનોના વિભાગો અંગેના અગાઉના નોટિફિકેશનમાં સુધારો કર્યો છે.

શું છે મામલો:
અહેવાલ મુજબ શરૂઆતમાં ધાલીવાલ પાસે NRI બાબતોનો વિભાગ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ હતો. મે 2023 માં કેબિનેટમાં થયેલા ફેરબદલ દરમિયાન તેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે NRI બાબતોનો વિભાગ જાળવી રાખ્યું, સાથે તેમને વહીવટી સુધારા વિભાગ પણ ફાળવવામાં આવ્યો.

સપ્ટેમ્બર 2024 ના કેબિનેટ ફેરબદલ દરમિયાન તેમણે ફરીથી આ બે વિભાગો આપવામાં આવ્યા. ત્યાર બાદ હવે જાણવા મળ્યું કે વહીવટી સુધારા વિભાગ અસ્તિત્વમાં જ નથી, જેના કારણે તેમની પાસે ફક્ત એક જ વિભાગ બાકી રહ્યો.

Also read : લોકસભા ચૂંટણીમાં US Funding ના દાવાએ વિવાદ સર્જ્યો, વિદેશ મંત્રાલયે આપી આ પ્રતિક્રિયા

કોણ છે કુલદીપ સિંહ ધાલીવાલ?
કુલદીપ સિંહ ધાલીવાલ પંજાબ AAPના મોટા નેતા છે. તેઓ 1990માં કોંગ્રેસમાં જોડાયા. તેઓ લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા, પરંતુ પાર્ટીએ તેમને ચૂંટણી લડવાની તક ના આપી. આ પછી, ધાલીવાલ આમ આદમી પાર્ટીમાં જોડાયા. ધાલીવાલે 2019 માં ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા. કુલદીપ સિંહ ધાલીવાલે 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીની ટિકિટ પર અજનાલાથી ચૂંટણી લડી હતી અને મોટા માર્જિનથી જીત મેળવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button