કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદ: મુસ્લિમ પક્ષકારોને સુપ્રીમ કોર્ટનો આંચકો, હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર
નવી દિલ્હીઃ કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ સંકુલ વિવાદમાં મુસ્લિમ પક્ષકારોને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે 14 ડિસેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે, હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં ત્રણ એડવોકેટ કમિશનરની ટીમ દ્વારા કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ સંકુલનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.
અલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે શાહી ઈદગાહ વિવાદ સાથે જોડાયેલા 18માંથી 17 કેસની સુનાવણી કરી. સુનાવણી બાદ હાઈકોર્ટે મથુરામાં સ્થિત શાહી ઈદગાહ સંકુલનો સર્વે કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સર્વે એડવોકેટ કમિશનરની ટીમ દ્વારા કરવામાં આવશે. જો કે, સર્વે ક્યારે શરૂ થશે તેની તારીખ હજુ સુધી જાણી શકાયું નથી. હાઈકોર્ટના આ નિર્ણય સામે મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે 9 જાન્યુઆરીએ સુનાવણી કરશે.