શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદના પક્ષને પાકિસ્તાન તરફથી મળી ધમકી, જાણો શું કહ્યું
મથુરાઃ શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદમાં પક્ષકાર અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ આશુતોષ પાંડેએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાનના કેટલાક લોકોએ તેમને ધમકી આપી છે.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદનો મામલો હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મુદ્દે બંને પક્ષ પોતાની દલીલ રજૂ કરી રહ્યા છે. એવા સમયે પાકિસ્તાન પણ આ મુદ્દાનો પૂરો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યું છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદમાં મથુરા કોર્ટમાં દાખલ કરાયેલા દાવામાં એક પક્ષકારને પાકિસ્તાન તરફથી કથિત રીતે ધમકીઓ મળી હોવાનો કિસ્સો જાણવા મળ્યો છે. હાલમાં તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદના પક્ષકાર ને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ આશુતોષ પાંડેએ પાકિસ્તાનમાંથી કેટલાક લોકોએ તેમને ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે. આશુતોષે એમ પણ જણાવ્યું હતું કે તેમનું ફેસબુક પેજ હેક કરવામાં આવ્યું છે અને તેમને એડમિનમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમની વર્ષોની મહેનત વ્યર્થ ગઈ છે. ‘X’ પર કરવામાં આવેલી આ ફરિયાદમાં પાંડેએ રાજ્યના ગૃહ વિભાગના મુખ્ય સચિવ અને મથુરાના SSPને પણ ટેગ કર્યા છે. તેમની ફરિયાદ બાદ પોલીસે આ મામલો સાયબર સેલને મોકલી આપ્યો છે અને તેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે.