બિહાર ચૂંટણી: મતદારો જાગૃતિ માટે ક્રાંતિ પ્રકાશ ઝા અને નીતુ ચંદ્રા ‘સ્વીપ આઈકન’ બન્યા…

પટણા: ફિલ્મ અભિનેતા ક્રાંતિ પ્રકાશ ઝા અને અભિનેત્રી નીતુ ચંદ્રાને ચૂંટણી પંચે બિહારના સ્ટેટ સ્વીપ આઈકન બનાવ્યા છે. બિહાર ચૂંટણી વિભાગ દ્વારા બંને જાણીતી હસ્તીઓને રાજ્ય કક્ષાના સ્વીપ આઇકન તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. આ નામાંકન મતદાર જાગૃતિ પર આધારિત સ્વીપ અભિયાનને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. તેમની નિમણૂક સંબંધિત પ્રસ્તાવને ભારતીય ચૂંટણી પંચ તરફથી ઔપચારિક મંજૂરી પણ મળી ગઈ છે.
મતદારોને જાગૃત કરવાની દિશામાં કામગીરી
ફિલ્મ અભિનેતા ક્રાંતિ પ્રકાશ ઝા અને અભિનેત્રી નીતુ ચંદ્રા બિહારના મતદારોને જાગૃત કરવાની દિશામાં કામગીરી કરશે. તેઓ રાજયમાં મતદારોના શિક્ષણ અને જાગરુકતા સબંધિત જુદી જુદી કામગીરીઓમાં સક્રિય ભાગીદારી નિભાવશે. બંને હસ્તીઓ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિભિન્ન માધ્યમોથી મતદાતાઓને ચૂંટણી પ્રક્રિયાથી જોડવામાં મહાત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. ક્રાંતિ પ્રકાશ અને નીતુ ચંદ્રા, બંને બિહારના રહેવાસી છે અને તેમણે વિવિધ બોલિવૂડ ફિલ્મો અને શોમાં કામ કર્યું છે.
ઓક્ટો.-નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી સંભવિત
આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી સંભવિત છે. તેને ધ્યાને રાખીને ચૂંટણી પંચ દ્વારા સો ટકા મતદાન થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 22 વર્ષ બાદ બિહારમાં મતદાર યાદીનું સંપૂર્ણ સંશોધન પણ કરવામાં આવી રહ્યું છે. આ દ્વારા, મૃતકો અને બિહારની બહાર કાયમી સ્થળાંતર કરનારા મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે.
ચૂંટણી પંચની કામગીરી મુદ્દે રાજકીય હોબાળો
ઉપરાંત, ગેરકાયદે મતદારોના નામ પણ કાઢી નાખવામાં આવી રહ્યા છે. આ અંગે રાજકીય હોબાળો મચી ગયો છે. મતદાર સુધારણા બાદ ચૂંટણી પંચ 30 સપ્ટેમ્બરે અંતિમ મતદાર યાદી જાહેર કરશે. તે પછી જ બિહારમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.