one nation, one election: રામનાથ કોવિંદ સમિતિએ રાષ્ટ્રપતિને અહેવાલ સોંપ્યો, આ ભલામણોનો સમાવેશ મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

one nation, one election: રામનાથ કોવિંદ સમિતિએ રાષ્ટ્રપતિને અહેવાલ સોંપ્યો, આ ભલામણોનો સમાવેશ

નવી દિલ્હી: છેલ્લા ઘણા વર્ષોથી લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા અંગે ચર્ચા ચાલી રહી છે, વડા પ્રધાન મોદી પણ અનેક વાર તેની હિમાયત કરી ચુક્યા છે. આ માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના નેતૃત્વ હેઠળ ‘વન નેશન વન ઈલેક્શન’ ની શક્યતા તપાસવા માટે ઉચ્ચ-સ્તરીય સમિતિ બનાવવામાં આવી હતી, આ સમિતિએ આજે ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.

પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના આગેવાની હેઠળની ઉચ્ચ-સ્તરીય સમિતાના સભ્યો આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ દરમિયાન સમિતિએ 18,626 પાનાનો અહેવાલ રાષ્ટ્રપતિને સુપરત કર્યો હતો. ગત વર્ષે 2 સપ્ટેમ્બર ના રોજ આ સમિતિની રચના કરવામાં આવી હતી, ત્યાર બાદ 191 દિવસ હિતધારકો અને નિષ્ણાતો સાથે વિવિધ પાસાઓ પર ચર્ચા વિચારણા તથા ઊંડા અભ્યાસ બાદ આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો.


સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે, દર પાંચ વર્ષે લોકસભા ચૂંટણી ઉપરાંત દર વર્ષે દેશના કોઈને કોઈએ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી યોજાતી હોય છે. આ સાથે સાથે પેટા ચૂંટણીઓ, પંચાયતો અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ પણ યોજાતી હોય છે, એક અહેવાલ મુજબ એક વર્ષમાં 200-300 જેટલા દિવસો ભારતમાં વિવિધ જગ્યાએ મતદાન થતું હોઈ છે.


રાજ્યોની વિધાનસભાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એકસાથે યોજવા માટે તપાસ કરવા અને ભલામણો માટે રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ-સ્તરીય સમિતિની બનાવવામાં આવી હતી.


આજે રાષ્ટ્રપતિને સોંપવામાં આવેલા રીપોર્ટમાં સમિતિએ કરેલી કેટલીક ભલામણો:


• સમિતિના જણાવ્યા અનુસાર, પહેલા ચરણમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થઈ શકે છે, ત્યારબાદ બીજા ચરણમાં 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે.


• કોઈ પક્ષને બહુમતી ના મળે અથવા અવિશ્વાસ પ્રસ્તાવના કિસ્સામાં, પાંચ વર્ષની બાકીની મુદત માટે નવેસરથી ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે.


• પ્રથમ વખતની એક સાથે ચૂંટણી માટે, તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ આવનાર લોકસભા ચૂંટણી સુધી સમાપ્ત થઇ જશે.


• ચૂંટણી પંચ લોકસભા, વિધાનસભા, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પ્રસાશન સાથે પરામર્શ કરીને એક જ મતદાર યાદી, મતદાર કાર્ડ તૈયાર કરશે.


• આ સાથે સમિતિએ એકસાથે ચૂંટણી યોજવા માટે સાધનો, મેનપાવર અને સુરક્ષા દળો વધારવાની ભલામણ કરી છે.

Back to top button