નેશનલ

ચોર રસોડાના હોલમાંથી ઘૂસવા ગયો ને કિસ્મત એવી ફસાઈ કે મદદ માટે પોલીસને બોલાવવી પડી!

કોટા: ચોર ચોરી કરવા માટે અવનવા કીમિયા અજમાવતા હોય તેવા અનેક કિસ્સાઓથી આપણે વાકેફ છીએ. ક્યારેક મકાનની છત પરથી તો ક્યારેક બારી વાટે કે ઓળખ છુપાવીને તેઓ ચોરીને અંજામ આપતા હોય છે. પરંતુ રાજસ્થાનના કોટામાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. અહીં એક ચોર ચોરી કરવા તો આવ્યો, પરંતુ સ્થિતિ એવી સર્જાઈ કે ખુદ પોલીસને જ ચોરની મદદ માટે આવવું પડ્યું! આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

મળતી વિગતો અનુસાર, કોટાનો એક પરિવાર ખાટુશ્યામજીના દર્શન કરવા ગયો હતો. બંધ મકાનનો લાભ લેવા માટે એક ચોરે ચોરીની યોજના બનાવી હતી. નવાઈની વાત એ છે કે, ચોર પોલીસના સ્ટીકરવાળી કાર લઈને ચોરી કરવા આવ્યો હતો. જોકે, ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતી વખતે તે રસોડાના એક્ઝોસ્ટ ફેનના પોલાણમાં ફસાઈ ગયો હતો. ચોર અડધો અંદર અને અડધો બહારની સ્થિતિમાં એવી રીતે ફસાયો કે તેનો ચોરીનો આખો પ્લાન ચોપટ થઈ ગયો.

મોડી રાત્રે જ્યારે પરિવાર દર્શન કરીને ઘરે પરત ફર્યો, ત્યારે રસોડાના ભાગે એક વ્યક્તિને ફસાયેલો જોઈને તેઓ હેબતાઈ ગયા હતા. પરિવારે બૂમાબૂમ કરતા આસપાસના પાડોશીઓ પણ એકઠા થઈ ગયા હતા. પકડાઈ જવાના ડરથી આરોપીએ પરિવારને ધમકી આપી હતી કે, “મને છોડી દો, મારા અન્ય સાથીઓ પણ અહીં આસપાસ જ છે.” જોકે, પરિવારે સમયસૂચકતા વાપરી તુરંત પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ભારે જહેમત બાદ ચોરને એક્ઝોસ્ટ ફેનમાંથી બહાર કાઢ્યો હતો અને તેની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પવન બુંદીના એક પોલીસકર્મીની કાર ચલાવતો હતો અને તે જ કાર લઈને ચોરી કરવા આવ્યો હતો. પોલીસે કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, પીડિત પરિવારે આ સમગ્ર બનાવને ખાટુશ્યામજીની કૃપા ગણાવી હતી. તેમણે શ્રદ્ધાપૂર્વક જણાવ્યું કે, બાબાના આશીર્વાદને કારણે જ અમારું ઘર લૂંટાતા બચ્યું છે અને ચોર રંગેહાથ પકડાઈ ગયો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button