કોટા સુસાઇડ કેસમાં સુપ્રીમ કોર્ટે બાળકોની આત્મહત્યા માટે માતા પિતાને કેમ જવાબદાર ઠેરવ્યા…
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી કોટામાં આત્મહત્યા કિસ્સા વધી રહ્યા છે જેના માટે સુપ્રીમ કોર્ટે બાળકોના માતાપિતાને જવાબદાર ઠેરવ્યા હતા. એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે આજના સમયમાં માતા પિતાની અપેક્ષા બાળકો પાસે ઘણી વધારે છે. માતા પિતા બીજાના બાળકો સાથે તેમના બાળકોની સરખામણી કરે છે અને તેમની પર દબાણ કરે છે તેમના જેવું ભણવા માટે અને બાળકો જ્યારે માતા પિતાની અપેક્ષા પ્રમાણે પરિણામ નથી મેળવી શકતા ત્યારે તેઓ આત્મહત્યા કરવા માટે પ્રરાય છે. તેમજ કોર્ટે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં વધતી આત્મહત્યા માટે કોચિંગ સેન્ટરોને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી કારણ કે માતાપિતાની અપેક્ષાઓ બાળકોને આત્મહત્યા કરવા પ્રેરિત કરે છે. આ વર્ષે અત્યાર સુધીમાં કોટામાં 24 બાળકો આત્મહત્યા કરી ચૂક્યા છે.
ડૉ.અનિરુદ્ધ નારાયણ વતી હાજર રહેલા એડવોકેટ મોહિની પ્રિયાએ તેમની અરજીમાં કહ્યું હતું કે કોટામાં આત્મહત્યાએ ઘણી હેડલાઈન્સ બનાવી છે, પરંતુ આ ઘટના તમામ ખાનગી કોચિંગ સેન્ટરો માટે સામાન્ય છે કોચિંગ સેન્ટરો વિદ્યાર્થીઓને મોતના મુખમાં ધકેલી દે છે. આ ઉપરાંત તેમણે પોતાની અરજીમાં કોચિંગ સંસ્થાઓમાં લઘુત્તમ ધોરણો જાળવવાની પણ વાત કરી હતી.
જસ્ટિસ એસવીએન ભાટી જેઓ બેન્ચનો ભાગ હતા તેમણે કહ્યું કે આ આત્મહત્યા કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના કારણે નથી થઈ રહી, પરંતુ બાળકો તેમના માતા-પિતાની અપેક્ષાઓ પર ખરા ઉતરી શકતા એટલે અંતિમ પગલું ભરે છે. કોર્ટે આ અંગે કાયદો બનાવવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું હતું કે દોષ બાળકોના માતા-પિતાનો છે કોચિંગ સંસ્થાઓનો નહીં. નોંધનીય છે કે કોટામાં આત્મહત્યા કરનારા બાળકોની ઉંમર 14-16 વર્ષની વચ્ચે છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજસ્થાનના કોટામાં NEET અને JEE કોચિંગ માટે આવેલા 24 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. આ આંકડો છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ છે. આત્મહત્યાના કિસ્સાઓને રોકવા માટે કોચિંગ સંસ્થાઓને વિશેષ ભલામણો પણ કરવામાં આવી છે. આમ છતાં આપઘાતના કેસમાં કોઈ ઘટાડો થયો નથી.