કેન્દ્રની માર્ગદર્શિકા જાહેર થયા બાદ પણ કોટામાં વધુ એક વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં કરી આત્મહત્યા…
જયપુર: કોટામાં થતા સુસાઈડના કારણે કેન્દ્રએ એક માર્ગદર્શિકા જાહેર કરી જેમાં કેટલાક નિયમો પ્રમાણે જ કોચિંગ સેન્ટર કોચિંગ આપી શકે જેમાં એક નિયમ એવો પણ હતો કે 16 વર્ષથી નીચેના બાળકોને કોચિંગ આપી શકાશે નહિ. કેન્દ્ર દ્વારા આ માર્ગદર્શિકા બહાર પાડવાનો મુખ્ય હેતુ એ હતો કે તેના કારણે બાળકો પર આવતું ભણતરનું દબાણ ઓછું થાય અને બાળકો દ્વારા થતા સુસાઈડ બંધ થઈ જાય પરંતુ. રાજસ્થાનના એજ્યુકેશન સિટી કોટામાં કોચિંગ વિદ્યાર્થીઓની સુસાઇડનો સિલસિલો અટકી રહ્યો નથી. વર્ષ 2024ના પહેલા મહિનામાં જ આત્મહત્યાની બીજી ઘટના બની હતી. બુધવારે એટલે કે 24 જાન્યુઆરીના રોજ NEETની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
મૃતક વિદ્યાર્થી મોહમ્મદ ઝૈદ ઉત્તર પ્રદેશના મુરાદાબાદનો રહેવાસી હતો, જે કોટામાં રહીને NEETની તૈયારી કરી રહ્યો હતો. બુધવારે પોલીસે રાજીવ ગાંધી નગર હોસ્ટેલના એક રૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જવાહરનગર પોલીસ સ્ટેશને મૃતદેહને મોર્ચરીમાં રાખ્યો છે અને પરિવારને ઘટનાની જાણ કરી છે અને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત પોલીસ હોસ્ટેલમાં વિદ્યાર્થીના રૂમની તપાસ કરી રહી છે અને સુસાઈડ નોટ કે પછી એવી કોઈ બાબત કે જે આત્મહત્યા સાથે સંકળાયેલી હોય તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. કોચિંગના વિદ્યાર્થીની આત્મહત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ડર વ્યાપી ગયો છે.
નાયબ પોલીસ અધિક્ષક ભવાની સિંહે જણાવ્યું હતું કે મૃતક વિદ્યાર્થી રાજીવ ગાંધી નગરની હોસ્ટેલમાં રહેતો હતો. હોસ્ટેલમાંથી માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વિદ્યાર્થીને રૂમમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. જો કે હજુ સુધી વિદ્યાર્થીના રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. મૃતક વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. કોટા પહોંચ્યા બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.
કોટામાં કોચિંગ વિદ્યાર્થીઓના વધતા આત્મહત્યાના વધતા કેસોને પગલે અગાઉની કોંગ્રેસ સરકાર દ્વારા રાજ્ય સ્તરીય સમિતિની રચના કરીને માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની કોચિંગ સંસ્થાઓ માટે માર્ગદર્શિકા પણ જારી કરી હતી. જેમાં 16 વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ ન આપવા, કોચિંગ વિદ્યાર્થીઓને તણાવમુક્ત રાખવા અને કોચિંગના સમય દરમિયાન મનોરંજન પૂરું પાડવા, ફી રિફંડ પ્રક્રિયાને સરળ બનાવવા સહિત અનેક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર પણ રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાને અનુસરવા માટે કોચિંગ સંસ્થાઓ અને કોચિંગ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સતત સંકલન જાળવી રહ્યું છે.