રાજસ્થાનના કોટામાં ચંબલ ‘રિવરફ્રન્ટ’ પાસે અકસ્માતમાં એન્જિનિયર અને સહાયકનું મોત
કોટા (રાજસ્થાન)ઃ રાજસ્થાનના કોટામાં રવિવારે ચંબલ ‘રિવરફ્રન્ટ’ ખાતે હેવી મેટલનો ઘંટ લટકાવતી વખતે થયેલા અકસ્માતમાં એક એન્જિનિયર અને તેનો સહાયક ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સાંજે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું એવી સ્થાનિક પોલીસે માહિતી આપી હતી.
મૃતક એન્જિનિયરના પુત્ર ધનંજય આર્યએ શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ ખાતાના પ્રધાન અને સ્થાનિક વિધાનસભ્ય શાંતિ ધારીવાલ અને મુખ્ય આર્કિટેક્ટ અનુપ બરાતરિયા પર સમયમર્યાદા પહેલા 27 કાસ્ટિંગ મોલ્ડમાંથી ઘંટ કાઢવા માટે દબાણ કરવાનો આરોપ મૂક્યો હતો.
મૃતકોની ઓળખ જોધપુરના રહેવાસી મેટલ બેલ કાસ્ટિંગ એન્જિનિયર દેવેન્દ્ર આર્ય (62) અને ધોલપુરના રહેવાસી તેમના સહાયક છોટુ સિંહ (20) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એન્જિનિયર અને સહાયક બંને હાઇડ્રોલિક ક્રેનની મદદથી ભારે ઘંટને લટકાવવાની પ્રક્રિયામાં રોકાયેલા હતા.
કુન્હારી પોલીસ સ્ટેશનના પ્રભારી મહેન્દ્ર મીનાએ જણાવ્યું હતું કે સિંહ અને આર્ય અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સહાયકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે આર્યનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે આજે સવારે બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.