કોટા: આજે મહાશિવરાત્રીને લઈને દેશભરમાં શિવભક્તો મહાદેવને સમર્પિત આ દિવસ ધામધુમથી ઉજવી રહ્યા છે. પરંતુ રાજસ્થાનથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં હર હર મહાદેવના નાદ બાળકોની ચિચિયારીમાં ફેરવાયા હતા. ઇલેક્ટ્રીક શોક લાગવાથી 14 જેટલા બાળકો ઘાયલ થયા છે.તમામ ઘાયલ બાળકોને સારવાર માટે MBS હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. આ ઘટના કુણહડી થર્મલ ચોક પાસે બની હતી (kota children electric shock news).
કોટાના કુન્હાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે એક શિવ શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી, જ્યાં અચાનક વીજળીનો કરંટ પસાર થયો. જેના કારણે શિવ શોભાયાત્રામાં ભાગ લેનાર 14થી વધુ બાળકો દાઝી ગયા હતા. મામલો સાગતપુરા સ્થિત કાલી બસ્તીનો છે. મળતી માહિતી મુજબ, યાત્રા દરમિયાન અનેક બાળકો ધાર્મિક ઝંડા લઈને આવ્યા હતા. આ દરમિયાન ધ્વજ હાઇ ટેન્શન લાઇનને સ્પર્શ્યો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે જ્યાંથી શિવ શોભાયાત્રા પસાર થઈ રહી હતી ત્યાંથી પાણી પણ ફેલાઈ ગયું હતું. જેના કારણે કરંટ ઝડપથી ફેલાઈ ગયો. તમામ બાળકોને કોટાની MBS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ઉર્જા મંત્રી હીરાલાલ નાગર ઘાયલ બાળકોને મળવા MBS હોસ્પિટલ પહોંચ્યા અને તમામ શક્ય મદદ આપવાનું વચન આપ્યું હતું.