ગાઝિયાબાદની ત્રણ બહેનોની આત્મહત્યા બાદ ચર્ચાઈ રહેલી કોરિયન લવર ગેમ છે શું? કઈ રીતે તેના જાળમાં ફસાય છે ટીનએજર્સ…

ગાઝિયાબાદની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે, જ્યાં ત્રણ સગી બહેનોએ એક ઓનલાઇન ગેમના કારણે નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ ફરી એકવાર ‘બ્લૂ વ્હેલ’ ગેમની ભયાનક યાદો તાજી કરી દીધી છે. પરંતુ આ વખતે બ્લ્યુ વ્હેલ ‘કોરિયન લવર ગેમ’. જોકે, હવે આ મામલામાં એક નવો વળાંક જોવા મળ્યો છે અને ખુલાસો થયો છે કે ત્રણેય બહેનોએ આ ગેમને કારણે આત્મહત્યા નથી કરી. ખેર, સાચું કારણ તો સમય જતાં ખ્યાલ આવશે, પરંતુ આપણે વાત કરીએ કે આખરે શું છે આ કોરિયન લવર ગેમ…
બાળકોમાં વધતું જતું કે-પોપ અને કોરિયન ડ્રામાનું વળગણ હવે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. ‘કોરિયન લવર ગેમ’ એ કોઈ સામાન્ય રમત નથી, પરંતુ એક માનસિક જાળ છે. વાત કરીએ આ ગેમ વિશે તો કોરિયન કલ્ચરથી પ્રેરિત આ એક ઓનલાઇન રોમેન્ટિક ટાસ્ક-બેઝ્ડ પેટર્ન છે. જેમાં યુઝરને એક વર્ચ્યુઅલ પાર્ટનર મળે છે, જે તેની સાથે મીઠી વાતો કરે છે અને ઈમોશનલી કનેક્ટ કરે છે. કે-પોપના ફેન્સ ખૂબ જ ઝડપથી આ પ્રકારની ગેમ્સ તરફ આકર્ષાઈ રહ્યા છે અને ધીમે ધીમે તેની લતમાં ફસાઈ જાય છે.
ગેમની શરૂઆત ખૂબ જ સાદી હોય છે, પરંતુ તે ધીમે ધીમે ખતરનાક બનતી જાય છે. શરૂઆતમાં નક્કી કરેલાં સમયે ચેટ કરવી, પોતાનું ડેઈલી રૂટિન શેર કરવું કે મેસેજ મોકલવા જેવા હળવા ટાસ્ક આપવામાં આવે છે. ત્યાર બાદના ટાસ્ક થોડા વધુ પર્સનલ બનતા જાય છે. યુઝર પર માનસિક દબાણ કરવામાં આવે છે કે જો ટાસ્ક પૂરો નહીં થાય તો તેનો ‘વર્ચ્યુઅલ લવર’ નારાજ થઈ જશે અથવા સંબંધ તોડી નાખશે. લાસ્ટ સ્ટેજમાં જ્યારે યુઝર સંપૂર્ણપણે ગેમ પર નિર્ભર થઈ જાય, ત્યારે તેને પોતાની જાતને નુકસાન પહોંચાડવા કે આત્મહત્યા કરવા જેવા જીવલેણ ટાસ્ક આપવામાં આવે છે.
બાળકો અને એમાં પણ ખાસ કરીને ટીન એજર્સ માનસિક રીતે વધુ સંવેદનશીલ હોય છે. જ્યારે તેમને ઓનલાઇન દુનિયામાં કોઈ ખાસ હોવાનો અહેસાસ કરાવે છે, ત્યારે તેઓ અસલી અને નકલી દુનિયા વચ્ચેનો તફાવત ભૂલી જાય છે. ગાઝિયાબાદના કિસ્સામાં પણ ત્રણેય બહેનો લાંબા સમયથી આ ગેમિંગની લતમાં હતી.
વાત કરીએ કઈ રીતે ઓળખવું કે તમારા સંતાનો આ ગેમના ચૂંગાલમાં ફસાયા છે કે નહીં તે તો એના માટે તમારે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડશે. જો તમારા બાળકના વર્તનમાં ફેરફાર દેખાય, તો તમારે ચેતી જવાની જરૂર છે. જો બાળક અચાનક ચૂપ થઈ જાય કે પછી એકાંતમાં રહેવા લાગે, મોડી રાત સુધી મોબાઈલ પર ગેમ રમવી કે ચેટ કરવી, મોબાઈલ છીનવી લેતા અતિશય ગુસ્સો કરવો, શરીર પર ઈજાના નિશાન દેખાય કે વર્તનમાં અચાનક બદલાવ જોવા મળવો એ આ સમસ્યાના મૂળભૂત લક્ષણો છે.



