કોલકાતાઃ કોલકત્તામાં ડોક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યા કેસના વિરોધમાં આજે દેશભરના ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે, અને તબીબી સેવાઓ પર અસર થઈ છે. આ કેસમાં ચાલી રહેલી તપાસથી ડોક્ટરો સંતુષ્ટ ન હોવાથી તેમણે હડતાળનો માર્ગ અપનાવ્યો છે.
આ બંધમાં મોટા શહેરોની તમામ મેડિકલ કૉલેજોના વિદ્યાર્થી, તાલીમાર્થી ડોક્ટરો સહિત ઘણા લોકો જોડાશે. આજે સાંજે 6 વાગ્યે મુંબઈની જેજે હોસ્પિટલ ખાતે કેન્ડલ માર્ચ યોજાશે. મુંબઈની તમામ હોસ્પિટલોમાં ઓપીડી શરૂ થશે. ડૉક્ટરોની હડતાળ દરમિયાન, વૈકલ્પિક સર્જરી અને લેબમાં કામ બંધ રહેશે. દિલ્હીની ઘણી સરકારી હોસ્પિટલોએ રવિવારે સત્તાવાર નિવેદનો જારી કરીને સોમવારે સવારથી બહારના દર્દીઓના વિભાગો, ઓપરેશન રૂમ અને વોર્ડની ફરજો બંધ કરવાની જાહેરાત કરી હતી. મહિલા ડૉક્ટર સાથે થયેલી બર્બરતાની ઘટનાના સંદભર્માં કોલકાતાથી માંડી દિલ્હી સુધી રોષ ભભૂકી ઉઠ્યો છે. જેના કારણે ડોક્ટરોના સંગઠને સોમવારે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.
દિલ્હીની આ હોસ્પિટલોમાં હડતાળ
દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજ, રામ મનોહર લોહિયા હોસ્પિટલ, લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ, VMMC અને સફદરજંગ હોસ્પિટલ, દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલ અને GTB હોસ્પિટલના ‘રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન’ (RDA) દ્વારા આજે ડોકટરોએ તેમની નોન-ઇમરજન્સી સેવાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ની છે.
પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે પરંતુ ડોક્ટર પોલીસ તપાસથી સંતુષ્ટ નથી. ડોક્ટરોનું કહેવું છે કે એક આરોપીની ધરપકડ કરીને મોટા ષડયંત્રને દબાવવામાં આવી રહ્યું છે. ડોક્ટરો આ કેસની સીબીઆઈ તપાસ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની માંગ કરી રહ્યા છે.
ભાજપે સીબીઆઈ તપાસની માંગ કરી છે
ઘટના બહાર આવ્યાની સાથે તેને રાજકીય રંગ લાગવાનું પણ શરૂ થઈ ગયું હતું. મમતા સરકાર પર ભાજપે આક્ષેપો કર્યા છે.બંગાળ ભાજપના પ્રમુખ સુકાંતો મજુમદારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખીને આ મામલે સીબીઆઈ તપાસની વિનંતી કરી છે તેમજ બંગાળની તમામ મેડિકલ કોલેજોની મુલાકાત લેવા મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક ટીમ મોકલવાની વિનંતી કરી છે.