કોલકાતા રેપ & મર્ડર કેસઃ આંદોલન કરી રહેલા ડોક્ટર ‘ટસના મસ’ થયા નહીં અને..

કોલકાતા: કોલકાતાની હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરના રેપ અને હત્યા મુદ્દે વિવાદ વધી રહ્યો છે ત્યારે આજે સુપ્રીમ કોર્ટે હડતાળ પરના ડોક્ટરને અલ્ટિમેટમ આપ્યા પછી પણ હડતાળ પરથી જૂનિયર ડોક્ટર પાછા ફર્યા નહોતા. ડોક્ટરના વિરોધ પ્રદર્શન વચ્ચે ડોક્ટરે અમુક શરતો મૂકીને સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં આંદોલનકારી જુનિયર ડોકટરોએ જણાવ્યું હતું કે તેઓ આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફરજો ફરી શરૂ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશો છતાં, બળાત્કાર અને હત્યા કરાયેલી આરજી કર હોસ્પિટલના મહિલા ડોકટર માટે ન્યાયની માંગ કરવા માટે તેમનું ‘કામ બંધ’ ચાલુ રાખશે.
રાજ્યના આરોગ્ય સચિવ અને આરોગ્ય શિક્ષણના નિયામકના રાજીનામાની માંગ કરતા, વિરોધ કરી રહેલા ડોકટરોએ જણાવ્યું હતું કે તેઓ આજે બપોરે – સોલ્ટ લેકમાં આરોગ્ય વિભાગના મુખ્ય મથક – ‘સ્વસ્થ્ય ભવન’ સુધી રેલી કાઢશે.
“અમારી માંગણીઓ અધૂરી રહી છે અને પીડિતાને ન્યાય મળ્યો નથી. અમે અમારું આંદોલન તેમજ ‘કામ બંધ’ ચાલુ રાખીશું. અમે ઈચ્છીએ છીએ કે આરોગ્ય સચિવ અને આરોગ્ય નિયામક રાજીનામું આપે.
આ ઉપરાંત, પશ્ચિમ બંગાળની દરેક મેડિકલ કોલેજમાં પેશન્ટ સર્વિસ શરુ કરવાની સાથે હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા લગાવવાની સાથે દર્દીઓની સેવામાં પણ સુધારો કરવાની માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સોમવારે વિરોધ કરી રહેલા તબીબોને રાજ્ય સરકાર દ્વારા પ્રતિકૂળ કાર્યવાહી ટાળવા માટે મંગળવારે સાંજે ૫ વાગ્યા સુધીમાં તેમની ફરજો ફરી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.