કોલકાતા ગેંગરેપ કેસમાં પોલીસની કડક કાર્યવાહી, ચોથા આરોપી પિનાકી બેનર્જીની ધરપકડ

કોલકાતા: કોલકાતામાં લો કોલેજની વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપ કેસમાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે આ કેસમાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે લો કોલેજના ગાર્ડ પિનાકી બેનર્જીની ધરપકડ કરી છે.
વિદ્યાર્થીની પર ગેંગરેપ કેસમાં આ ચોથી ધરપકડ છે. કોલકાતા ગેંગરેપ કેસના મુખ્ય આરોપી સહિત પોલીસે ત્રણ અન્ય લોકોની ધરપકડ કરી છે.
આપણ વાંચો: કોલકાતામાં લૉ કોલેજની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ, ત્રણ આરોપીને પોલીસે દબોચ્યા, જાણો શું છે આખો મામલો
ગાર્ડ રૂમની અંદર ગેંગરેપ થયો હતો
પોલીસ ફરિયાદ મુજબ 15 જૂનના રોજ કોલેજના ગાર્ડ રૂમમાં 24 વર્ષીય પીડિતા પર કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો. મુખ્ય આરોપીએ વારંવાર બળાત્કાર કર્યો હતો અને તેને ધમકી આપી હતી.
જ્યારે બે અન્ય લોકો ઉભા રહીને જોતા રહ્યા હતા. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ ઘટના દરમિયાન કોલેજનો ગેટ બંધ હતો અને સિક્યુરિટી ગાર્ડને બહાર રાહ જોવા માટે મૂકવામાં આવ્યો હતો.
આપણ વાંચો: સુપ્રીમ કોર્ટે ગેંગરેપ મામલે આપી મહત્વની ટિપ્પણીઃ જાણો શું કહ્યું
પિનાકી બેનર્જી કોણ છે ?
પિનાકી બેનર્જી દક્ષિણ કોલકાતા લો કોલેજનો સિક્યુરિટી ગાર્ડ છે. તેની ઉંમર 55 વર્ષની છે. પોલીસે જણાવ્યું હતું કે પિનાકી બેનર્જી કોલકાતાના કસ્બા પોલીસ સ્ટેશન હેઠળના ખરદાહ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારનોરહેવાસી છે. કોલેજ કેમ્પસમાં બનેલી ઘટનામાં સંડોવણી હોવાના શંકાસ્પદ આરોપસર કસ્બા પોલીસે પિનાકી બેનર્જીની ધરપકડ કરી છે.
મુખ્ય આરોપીના લગ્ન પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો
કોલકાતામાં લો કોલેજની વિદ્યાર્થીની પર થયેલા સામૂહિક બળાત્કારના કેસમાં પોલીસને શંકા છે કે મુખ્ય આરોપીએ તેના સાથીઓ સાથે મળીને લગ્ન પ્રસ્તાવને નકારી કાઢ્યા બાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ એ પણ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે આ ઘટના પૂર્વ-આયોજિત હતી કે નહીં. અધિકારીએ કહ્યું, ઘટનાઓનો ક્રમ જોતાં એવું લાગે છે કે મુખ્ય આરોપીના લગ્ન પ્રસ્તાવને નકારી કાઢ્યા બાદ છોકરી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: સુરત માંગરોળ ગેંગરેપ કેસઃ કોર્ટે બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી
મેડિકલ રિપોર્ટમાં બળાત્કારની પુષ્ટિ થઈ
લો કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીએ પોલીસને આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે 25 જૂનની સાંજે સંસ્થાના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને બે સિનિયર વિદ્યાર્થીઓએ તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો.
ગુરુવારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તે જ દિવસે યુવતીની તબીબી તપાસ પણ કરવામાં આવી હતી. યુવતીના ગુપ્ત અંગો પર ઈજાના નિશાન છે.તેમજ તેના ગળામાં પણ ઈજાના નિશાન જોવા મળ્યા છે.
પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પોલીસે પ્રેક્ટિસ કરતા વકીલ મોનોજીત મિશ્રા (31), વિદ્યાર્થી ઝૈબ અહેમદ (19) અને પ્રમિત મુખર્જી (20) ને અલીપુરમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા હતા. આ ત્રણેય આરોપીઓને 1 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.