Kolkata માં આઈસ ફેક્ટરીમાંથી લાગેલી આગ અન્ય ફેક્ટરીઓમાં ફેલાઈ, ફાયર બ્રિગેડની 20 ગાડીઓ સ્થળ પર
કોલકાતા : કોલકાતા(Kolkata) શહેરના દમદમ વિસ્તારમાં ભીષણ આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. જેમાં ગુરુવારે મોડી રાત્રે વેસ્ટ બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી હતી કે, એ આગ આઇસક્રીમ બનાવવાની ફેક્ટરીમાં શરૂ થઈ હતી જે પાછળથી ફેલાઈ ગઈ હતી અને બીજી ઘણી ફેક્ટરીઓને પણ અસર થઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે 20 ફાયર ટેન્ડરો સ્થળ પર પહોંચ્યા છે. ફાયર કર્મીઓની સાથે સ્થાનિક લોકોએ પણ આગ ઓલવવામાં મદદ કરી હતી. જો કે હજુ સુધી કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
આગ અનેક ફેક્ટરીઓ સુધી પહોંચી હતી
ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ દુર્ઘટના જેસોર રોડ પર નાગરબજારમાં રાત્રે 3 વાગે થઈ હતી. તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, એક વેસ્ટ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં આગની જાણ થઈ હતી. આગ નજીકમાં આવેલી આઈસ્ક્રીમ ફેક્ટરીમાંથી લાગી હોવાની આશંકા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આગ બુઝાવવા માટે ઓછામાં ઓછા 20 ફાયર ટેન્ડરો પહોંચ્યા છે. આગને કાબુમાં લેવા માટે ચાર કલાક સુધી પ્રયાસો કરવા પડ્યા હતા.
વિસ્તારમાં વીજળી કટ
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે જ્વલનશીલ સામગ્રીને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આ સિવાય અંદરથી કેટલાક વિસ્ફોટના અહેવાલો પણ સામે આવ્યા છે. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે કામ કરી રહ્યા છે. ઘણા વેરહાઉસ અને નાના ઉત્પાદન એકમો ધરાવતા આ વિસ્તારમાં આગને ફેલાતી અટકાવવા ફાયરકર્મીઓ માટે વધારાના પડકારો ઊભા થયા છે. સાવચેતીના પગલારૂપે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમાડો ફેલાયો છે.