કોલકાતા એરપોર્ટ પર ૨૧ કલાક બાદ વિમાન સેવાઓ ફરી શરૂ

કોલકાતાઃ ચક્રવાત રેમલે પશ્ચિમ બંગાળમાં ભારે તબાહી મચાવી હતી. આ દરમિયાન કોલકાતામાં ભારે વરસાદ પડ્યો હતો. રેમલને પગલે વિમાન સેવાઓ ૨૧ કલાક માટે સ્થગિત કરી દેવાઇ હતી. જોકે સોમવાર સવારે કોલકાતા એરપોર્ટથી ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી.
સોમવારે ઉડાન ભરનારી પ્રથમ ફ્લાઇટ ઇન્ડિગોની કોલકાતા-પોર્ટ બ્લેર ફ્લાઇટ હતી. જે સવારે ૮-૫૯ વાગ્યે ઉપડી હતી. જ્યારે કોલકાતામાં ઉતરાણ કરનાર પ્રથમ વિમાન ગુવાહાટીથી સ્પાઇસજેટની ફ્લાઇટ હતી.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(એએઆઇ)ના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે તે સવારે ૯-૫૦ વાગ્યે કોલકાતા એરપોર્ટ પર ઉતર્યું હતું. કેટલીક અન્ય ફ્લાઇટ્સ માટે ચેક-ઇન ચાલુ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : બંગાળના સમુદ્ર તટ પર રેમલ ચક્રવાતનો લેન્ડફોલ શરૂ, PM મોદીએ યોજી સમીક્ષા બેઠક
કોલકાતા એરપોર્ટથી છેલ્લી ફ્લાઇટ રવિવારે બપોરે ૧૨-૧૬ કલાકે રવાના થઇ હતી. જોકે એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે પરંતુ સ્થિતિ સામાન્ય થવામાં હજુ થોડો સમય લાગશે.
રવિવારે મધ્યરાત્રિની આસપાસ આવેલા ચક્રવાતને કારણે કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ થયો હતો. ચક્રવાત રેમલની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને કોલકાતા એરપોર્ટ સત્તાવાળાઓએ રવિવાર બપોરથી ૨૧ કલાક માટે ફ્લાઇટ કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. શનિવારે એનએસસીબીઆઇ એરપોર્ટના હિતધારકોની બેઠક બાદ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.